મુલુંડથી ઘાટકોપર સુધીના ૨૦૦ વેપારીઓએ મુંબઈના ઍડિશનલ પોલીસ કમિશનર સામે વિવિધ રજૂઆતો કરી
ગઈ કાલે મુલુંડના એક બૅન્ક્વેટ હૉલમાં યોજાયેલી બેઠકમાં હાજર રહેલા ઍડિશનલ પોલીસ કમિશનર મહેશ પાટીલ અને ભેગા થયેલા વેપારીઓ.
વેપારીઓની સમસ્યાઓ સમજવા માટે ગઈ કાલે મુલુંડમાં મુંબઈ પોલીસના ઍડિશનલ કમિશનર મહેશ પાટીલ દ્વારા વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મુલુંડથી ઘાટકોપર સુધીના વિસ્તારમાં વ્યવસાય કરતા બસોથી વધારે વેપારીઓએ હાજરી આપીને તેમના વ્યવસાય સમયે આવતી સમસ્યાઓની રજૂઆત પોલીસ-અધિકારીઓ સામે કરી હતી. વેપારીઓ દ્વારા ફુટપાથ કબજે કરીને બેસતા ફેરિયાઓ તથા ખંડણીખોર ગુંડાઓ વિશે જાહેરમાં પોલીસને માહિતી આપવામાં આવી હતી. એની સામે તાત્કાલિક ઍક્શન લેવાનું આશ્વાસન પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું એટલું જ નહીં, વેપારીઓને વ્યવસાય સમયે તકલીફ આપતા લોકો સામે કડક પગલાં લેવાની સૂચના તમામ પોલીસ-સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટરને આપવામાં આવી હતી.
વેપારીઓની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા અને તેમની તકલીફોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે એવા હેતુથી આ બેઠકનું આયોજન ઍડિશનલ કમિશનર મહેશ પાટીલના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું એમ જણાવતાં ઝોન સાતના ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) વિજયકાંત સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડ, નવઘર, ભાંડુપ, કાંજુરમાર્ગ, વિક્રોલી, પાર્કસાઇટ, ઘાટકોપર અને પંતનગર પોલીસ-સ્ટેશન અંતર્ગત આવતા માર્કેટ, ઇન્ડસ્ટ્રિયલ ગોડાઉનો તેમ જ મૉલના વેપારીઓને આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરોને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. એક પછી એક બધા વેપારીઓને વ્યવસાય કરતી વખતે આવતી સમસ્યાઓ અમે જાહેરમાં સાંભળી હતી અને એની નોંધ સંબંધિત પોલીસ-સ્ટેશનના અધિકારીઓ દ્વારા લેવામાં આવી હતી. કેટલીક એવી સમસ્યાઓ પણ સામે આવી હતી કે અમુક ખંડણીખોરો વેપારીઓને ફરિયાદ કરવાના નામે ધમકાવતા હોય છે. આવા કેસમાં ખંડણીખોર સામે કાર્યવાહી કરવાની સૂચના તમામ પોલીસ-સ્ટેશનોના અધિકારીઓને આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘણા એવા કેસ હોય છે જેની જાણ વેપારીઓને થતી હોય છે. જોકે તેમનું નામ સામે લાવતાં તેઓ ડરતા હોય છે. આવા કેસોમાં વેપારીઓનું નામ ગુપ્ત રાખવામાં આવશે એવી પણ તેમને માહિતી આપવામાં આવી હતી. ઘાટકોપરમાં વેપારીઓ દ્વારા એમ. જી. રોડ પરના ફેરિયાઓની સમસ્યા સામે લાવતાં એના પર BMC સાથે જૉઇન્ટ ઍક્શન લેવા માટેનો આદેશ સંબંધિત પોલીસ-સ્ટેશનને આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત જો કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જોવા મળે તો એ વિશે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની સૂચના વેપારીઓને આપવામાં આવી હતી. વેપારીઓને આ બધા સાથે અમે તેમની ઑફિસ અને ગોડાઉનમાં તથા દુકાનની બહાર માત્ર એકથી બે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવાની પણ વિનંતી કરી હતી જેથી ક્રાઇમ અટકાવવામાં પોલીસને મદદ મળી શકે.’
ADVERTISEMENT
વેપારીઓની પરેશાની ઓછી કરવા માટે ખૂબ જ સારો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, પણ પોલીસ દ્વારા અમુક સમયે સામે ચાલીને ઍક્શન લેવાનું પણ જરૂરી હોય છે એમ જણાવતાં મુલુંડના શૉપકીપર અસોસિએશનના પ્રમુખ અતુલ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓને સૌથી વધારે ત્રાસ દુકાનની બહાર બેસતા ફેરિયાઓની સાથે સરકારી એજન્સીમાં ફરિયાદો કરીને ખંડણી માગતા લોકોનો હોય છે. એની રજૂઆત મેં કરી હતી. એની સામે પોલીસ-અધિકારીઓનું કહેવું હતું કે આવા કેસોમાં વેપારીની ફરિયાદ જરૂરી હોય છે. એની સામે મેં તેમને સુઓ-મોટો ઍક્શન લઈને આવા ખંડણીખોરો સામે કાર્યવાહી કરવામાં આવે તો વેપારીઓને મોટી રાહત મળશે એવી રજૂઆત કરી હતી.’

