Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૨ કલાકમાં ૧૨ બાળકોનાં અપહરણના વાઇરલ મેસેજથી પેરન્ટ‍્સમાં ફફડાટ

૧૨ કલાકમાં ૧૨ બાળકોનાં અપહરણના વાઇરલ મેસેજથી પેરન્ટ‍્સમાં ફફડાટ

Published : 03 February, 2026 07:02 AM | Modified : 03 February, 2026 07:02 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

જોકે પોલીસે જાહેર કર્યું કે આ માત્ર અફવા છે અને સોશ્યલ મીડિયા પર વાત ખોટી રીતે રજૂ થઈ રહી છે

સોશ્યલ મીડિયા પર ફરતો થયેલો મેસેજ.

સોશ્યલ મીડિયા પર ફરતો થયેલો મેસેજ.


દાદર, ઍન્ટૉપ હિલ, વડાલા, શિવાજીનગર, માટુંગા, ઘાટકોપર અને સાકીનાકા જેવા વિસ્તારોમાં કિડનૅપિંગ ગૅન્ગ સક્રિય હોવાની અને માત્ર ૧૨ કલાકમાં ૧૨ બાળકોનાં અપહરણ થયાં હોવાની અફવા સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં મુંબઈભરમાં ગઈ કાલે ફફડાટ ફેલાયો હતો. ખાસ કરીને વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી અને તેમણે પોતાનાં બાળકોને સ્કૂલ મોકલવામાં સંકોચ અનુભવ્યો હતો. જોકે પોલીસનું કહેવું છે કે જે બાળકો ગુમ થયાં હોવાની માહિતી મળી હતી એમાંથી મોટા ભાગનાં બાળકો સલામત છે. કેટલાંક બાળકો પરિવારજનો પાસે ગયાં હતાં તો કેટલાક મિત્રો સાથે ગયાં હોવાની માહિતી મળી છે. પોલીસ દ્વારા લોકોને અફવા પર વિશ્વાસ ન કરવા અને કોઈ પણ શંકાસ્પદ માહિતી મળે તો તરત નજીકના પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. પોલીસે સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

દાદર, ઍન્ટૉપ હિલ, વડાલા, શિવાજીનગર, માટુંગા, ઘાટકોપર અને સાકીનાકા જેવા વિસ્તારોમાં ગૅન્ગ સક્રિય હોવાની અને ૧૨ કલાકમાં ૧૨ બાળકોનાં અપહરણ થયાં હોવાની માહિતી વાઇરલ થયેલા મેસેજમાં લખવામાં આવી હતી. એમાં બાળકોને નિશાન બનાવીને અપહરણ થતાં હોવાની વાત કરવામાં આવી હતી એને કારણે પોલીસને સતત ફોનકૉલ્સ આવ્યા હતા એટલું જ નહીં, મેસેજમાં શિવાજીનગરમાં ત્રણ બાળકો, સાકીનાકામાં બે બાળકો અને ઘાટકોપરમાં એક બાળક ગુમ થયું હોવાનું લખવામાં આવ્યું હતું.



શિવાજીનગર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર અનઘા સતાવસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ચાર દિવસમાં અમારી પાસે ત્રણ કિશોર અને એક કિશોરી ગુમ થઈ હોવાની ફરિયાદ મળી હતી. એની તપાસ કરતાં એક કિશોરી અને બે કિશોરને શોધી કાઢીને તેમને વાલીઓને સોંપી દેવામાં આવ્યાં છે. એક કિશોરને અમે શોધી રહ્યા છીએ. જોકે તેને કિડનૅપ કરવામાં આવ્યો હોય એવું અત્યાર સુધીની તપાસમાં જણાયું છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા મેસેજથી અમારા વિસ્તારની અનેક સ્કૂલોના પ્રિન્સિપાલે અમને સંપર્ક કરી ડર વ્યક્ત કર્યો હતો, પણ અમે તમામ લોકોને કહ્યું છે કે મુંબઈમાં આવી કોઈ ગૅન્ગ સક્રિય નથી.’


સાકીનાકા પોલીસ-સ્ટેશનનાં પોલીસ-ઇન્સ્પેક્ટર અનીતા કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ૪૮ કલાકમાં અમને બાળકો ગુમ થયાં હોવાની કોઈ ફરિયાદ મળી નથી. ૨૭ જાન્યુઆરી સાડાતેર વર્ષની અને ૨૮ જાન્યુઆરીએ ૧૫ વર્ષની કિશોરી ગુમ હોવાની ફરિયાદ અમને મળી હતી. આ બન્ને કેસમાં બન્ને કિશોરીઓ ફ્રેન્ડ હોવાનું જાણવા મળ્યું હતું. તેમને ફરવાનો શોખ હતો અને એ માટે પરિવારે તેમના પર કન્ટ્રોલ મૂકતાં બન્ને પોતાની મરજીથી સાથે ફરવા ગઈ હતી. CCTV કૅમેરાનાં ફુટેજની મદદથી બન્નેની શોધખોળ કરીને બન્ને કિશોરીઓને જુહુ ચોપાટી પરથી શોધી કાઢી હતી અને તેમને માતા-પિતાને સોંપી દેવામાં આવી છે.’

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સતીશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ૪૮ કલાકમાં ઘાટકોપરમાંથી એક પણ કિશોર કે કિશોરી ગુમ થયાં હોવાની ફરિયાદ અમને મળી નથી. ગુરુવારે ઘાટકોપરની મહિલા કૉલેજમાં અભ્યાસ કરતી સાડાસત્તર વર્ષની એક કિશોરી ગુમ થઈ હોવાની ફરિયાદ અમને મળી હતી. એ પછી ફરિયાદ નોંધીને તપાસ કરતાં કિશોરી તેના એક મિત્ર સાથે ફરવા ગઈ હોવાની માહિતી મળતાં અમે તેને શોધી કાઢી હતી અને તેના વાલીને સોંપી દીધી હતી.’


દાદર, ઍન્ટૉપ હિલ, વડાલા અને માટુંગા પોલીસ-સ્ટેશનમાં તપાસ કરતાં છેલ્લા ૪૮ કલાકમાં ત્યાં કોઈ બાળક ગુમ ન થયું હોવાની માહિતી પોલીસ-અધિકારીઓએ આપી હતી.

મુંબઈ પોલીસનું સ્પષ્ટીકરણ

ગઇકાલે સોશિયલ મીડિયા પર બાળકોના મોટા પ્રમાણમાં અપહરણ થયા હોવાની ખોટી માહિતી ફેલાતી હતી, જેને લઈ મુંબઈ પોલીસના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પરથી આ તમામ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢવામાં આવ્યા હતા. સાથે સાથે, ઈરાદાપૂર્વક ખોટી માહિતી ફેલાવી જાહેરમાં ભય અને ગભરાટ ફેલાવનારાઓ સામે FIR નોંધવા સહિતની કાયદેસર કાર્યવાહી પ્રક્રિયા હેઠળ હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી.

અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની પોલીસની ચેતવણી

બાળકો ગુમ થવાના અને કિડનૅપ થવાના સમાચારને ખોટી રીતે સોશ્યલ મીડિયામાં ફેલાવનાર સામે પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની જાહેરાત કરી છે. બાળકોના અપહરણની વાતને અફવા ગણાવીને પોલીસે પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર જાહેર જનતામાં ભય ફેલાવવાનું કામ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 07:02 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK