અજિત પવારની પાર્ટીના વિધાનસભ્યે સામે ચાલીને મુસીબતને નોતરું આપ્યું : ખર્ચની મર્યાદા ૪૦ લાખ રૂપિયા હોવાથી એનું ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણીપંચ પ્રકાશ સોળંકે સામે કાર્યવાહી કરી શકે છે
પ્રકાશ સોળંક
વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચની મર્યાદા મુખ્ય ચૂંટણીપંચે નક્કી કરી છે. એ મુજબ ઉમેદવાર વધુમાં વધુ ૪૦ લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે. આ વાત જાણતા હોવા છતાં અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના માજલગાવના વિધાનસભ્ય પ્રકાશ સોળંકેનો એક વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ‘ચૂંટણી જાહેર થવાની સાથે કોઈ પણ ચૂંટણી લડવા તૈયાર થઈ જાય છે. લોકોનું જોઈએ એટલું સમર્થન ન હોવા છતાં રૂપિયાના જોરે ચૂંટણી લડે છે. મને સાંભળવા મળ્યું છે કે માજલગાવ વિધાનસભા મતદારસંઘમાં એક ઉમેદવારે ચૂંટણીમાં ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. લોકો આવું કહે છે. બીજા એક ઉમેદવારે ૩૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાનું પણ કહેવાય છે. હું ૧૦થી ૧૨ કરોડ રૂપિયા ખર્ચ કરીને વિજયી થયો છું. રાજકારણમાં સામાન્ય લોકોનું કામ કરવું મહત્ત્વનું છે, રૂપિયા ગૌણ છે.’
બીડ જિલ્લાના વડવણીમાં નવી બાંધવામાં આવેલી ગ્રામીણ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરતી વખતે વિધાનસભ્ય પ્રકાશ સોળંકેએ ચૂંટણીના ખર્ચ બાબતનું નિવેદન આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ૪૦ લાખ અને લોકસભાની ચૂંટણીમાં ૭૫ લાખ રૂપિયા ખર્ચ કરવાની મર્યાદા છે. આની સામે પ્રકાશ સોળંકેએ અનેકગણો ખર્ચ કર્યો હોવાનું જાહેરમાં કહ્યું છે એટલે તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ADVERTISEMENT
જોકે પોતે મુસીબતમાં મુકાઈ શકે છે એ ધ્યાનમાં આવતાં ગઈ કાલે વિધાનસભ્ય પ્રકાશ સોળંકેએ કહ્યું હતું કે ‘મેં મજાકમાં ચૂંટણીમાં ખર્ચની વાત કરી છે. મશ્કરીને ગંભીરતાથી ન લેવી જોઈએ. હું લાખ રૂપિયાને બદલે ભૂલથી કરોડ બોલ્યો. પાર્ટીએ મને ૪૦ લાખ રૂપિયા ચૂંટણીમાં ખર્ચ કરવા માટે મોકલ્યા હતા. એમાંથી ૨૩ લાખ રૂપિયા ખર્ચ થયો હતો. બાકીના રૂપિયા મેં ચેકથી પાછા મોકલી દીધા હતા. આથી આમાં કૅશનો કોઈ ઉલ્લેખ જ નથી.’

