પહેલી ફ્લાઇટ બુધવારે રાતના જ નીકળી હતી અને ૬૫ ટૂરિસ્ટને લઈને બુધવારે મધરાત બાદ ૩.૩૦ વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી ઍરપોર્ટ પર લૅન્ડ થઈ હતી.
પહલગામથી ટૂરિસ્ટો મુંબઈ પાછા ફર્યા (તસવીરો : સૈયદ સમીર અબેદી)
પહલગામમાં થયેલા ટેરર અટૅક બાદ કાશ્મીરમાં અટવાયેલા મહારાષ્ટ્રના સહેલાણીઓને ત્યાંથી હેમખેમ પાછા લાવવાની કવાયત આદરવામાં આવી હતી. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પોતે બુધવારે રાતે જ કાશ્મીર પહોંચી ગયા હતા અને ટૂરિસ્ટોને પાછા લાવવા ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. પહેલી ફ્લાઇટ બુધવારે રાતના જ નીકળી હતી અને ૬૫ ટૂરિસ્ટને લઈને બુધવારે મધરાત બાદ ૩.૩૦ વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી ઍરપોર્ટ પર લૅન્ડ થઈ હતી.
બીજી ફ્લાઇટ ગઈ કાલે સાંજે ૫.૪૫ વાગ્યે લેન્ડ થવાની હતી જે એક કલાક ડિલે થઈ હતી અને ૬.૪૫ વાગ્યાની આસપાસ લૅન્ડ થઈ હતી. વધુ એક ફ્લાઇટમાં પણ બાકીના ટૂરિસ્ટોને પાછા લાવવાનું અભિયાન ચલાવાયું હતું. પાછા ફરેલા ટૂરિસ્ટોનું કહેવું હતું કે આતંકવાદી હુમલો થયો હોવાની જાણ થતાં અમે ગભરાયા તો હતા, પણ આર્મીએ અમને સંરક્ષણ પૂરું પાડ્યું હોવાથી સેફ હોવાની ધરપત પણ હતી. બીજી ફ્લાઇટમાં મોરારીબાપુની કથા સાંભળવા ગયેલા કેટલાક ભાવિકોનો પણ સમાવેશ હતો.

