દાદરના કબૂતરખાનામાં ચણ-પાણી વગર કબૂતરોને મરતાં જોઈને લોકો વ્યથિત, ઘાયલ કબૂતરોને ગ્લુકોઝનું પાણી પાઈને જિવાડવાના પ્રયાસ : સ્થાનિક દુકાનદાર નીલેશ ત્રેવાડિયાએ આક્રોશમાં કહ્યું... કબૂતરોને આ રીતે મરવા તો ન જ દેવાયને
નીલેશ ત્રેવાડિયા
વર્ષોથી રોજની આદત મુજબ કબૂતરો ગઈ કાલે પણ મોટી સંખ્યામાં દાદરના કબૂતરખાનામાં આવ્યાં હતાં. શનિવારે રાતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓએ કબૂતરખાનાની ચારે બાજુ વાંસનો ઊંચો માંચડો બાંધી દીધો હતો. કબૂતરખાનાને ઉપરથી કવર કરીને ચારે બાજુથી ઢાંકી દીધું હોવાથી કબૂતરો અંદર જઈ શકે એમ નહોતાં એટલે તાડપત્રી પર બેસીને ચણ અને પાણીની રાહ જોતાં હતાં. ચણ અને પાણી ન મળતાં ઘણાં કબૂતર અશક્ત થઈને જમીન પર પડ્યાં હતાં. એ જગ્યાએ ભારે ટ્રાફિક હોવાથી ઘણાં કબૂતર વાહનો સાથે અથડાઈને મૃત્યુ પામ્યાં હતાં. મૂંગાં પક્ષીઓની આવી દયનીય પરિસ્થિતિ જોઈને જૈન સમુદાયના અનેક લોકો ગઈ કાલે સવારથી જ કબૂતરખાના પર ભેગા થયા હતા. તેમણે અશક્ત અને ઘાયલ કબૂતરોને ગ્લુકોઝનું પાણી પાઈને જિવાડવાના પ્રયાસ કર્યા હતા. તેમણે BMCના આ પગલા બદલ રોષપૂર્વક કહ્યું હતું કે જો તમે કબૂતરોને ચણ અને પાણી ન આપી શકતા હો તો એમને મરવા માટે છોડી દેવાનો પણ તમને અધિકાર નથી.
ADVERTISEMENT
ફોર્ટમાં GPO પાસે કબૂતરોને ચણ ન નાખવાના કોર્ટના આદેશ વિશેના પેપર કટિંગ ઉપર જ બેસીને ચણની રાહ જોતાં કબૂતરો. તસવીર : આશિષ રાજે
દાદરના કબૂતરખાના પાસે દુકાન ધરાવતા નીલેશ ત્રેવાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટે કહ્યું છે કે કબૂતરોને ચણ અને પાણી ન આપો. અમે ચણ અને પાણી નથી આપી રહ્યા. કબૂતરોને એની ખબર ન પડે. એ તો રોજની જેમ આવવાનાં જ છે. અમે ઊલટાનું કબૂતરો આવે તો એને ઉડાડવા અહીં માણસ રાખ્યા છે. લાકડાની દાંડી પર કપડું બાંધીને એ માણસો દાંડી હલાવીને કબૂતરોને ઉડાડતાં રહે છે. જે રીતે પ્રશાસન ઝૂંપડાવાસીઓને હટાવીને તેમને બીજે ઘર આપે છે અને તેમને વિકલ્પ આપે છે એવો વિકલ્પ કબૂતરો માટે પણ આપવો જોઈએ. સેંકડો કબૂતરો ગઈ કાલે ચણ અને પાણીના અભાવે મરી ગયાં, તેઓ ઊડી શકતાં ન હોવાથી વાહનો સાથે અથડાઈને મરી રહ્યાં છે. જો પ્રશાસને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી હોત તો આવું ન થાત. કોર્ટનો આદેશ પાળીને અમે ચણ અને પાણી નથી આપી રહ્યા, પણ કબૂતરોને આ રીતે મરવા તો ન જ દેવાયને. એ જવાબદારી પ્રશાસનની છે. અહીં એક પોલીસ ઊભો છે. ટ્રાફિક-પોલીસ નથી જે મોટરિસ્ટોને કહે કે કબૂતર છે, ગાડી ધીમે હાંકો. BMCનો તો એક પણ માણસ નથી. કાયદામાં પણ જીવની હત્યા થાય તો મોટરિસ્ટોને ફાઇન છે, એ ક્યારે ઍપ્લિકેબલ થશે? રોજ-રોજ કબૂતરો આ રીતે ખાધા-પીધા વિના મરી જાય તો એની જવાબદારી પણ BMCની જ ગણાય.
દાદરના કબૂતરખાના પાસે અશક્ત થઈ ગયેલાં કબૂતરો ઊડી ન શકતાં હોવાથી રોડ પર જ બેસી જાય છે ત્યારે તેઓ કાર કે સ્કૂટરની અડફેટે આવીને જીવ ન ગુમાવે એ માટે એમને ત્યાંથી ઉડાડવાનો પ્રયાસ કરતાં જૈન ભાઈઓ-બહેનો. તસવીર : શાદાબ ખાન
GPO પાસે કબૂતરખાનામાં કોઈ વ્યક્તિ ચણ નાખે એના પર નજર રાખવા CCTV કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. તસવીર : આશિષ રાજે
હિન્દુ સંસ્કૃતિમાં મૂંગાં પશુ-પક્ષીઓને ખવડાવવાની પ્રથા છે એ સંસ્કાર છે. ગાયને રોટલો, કૂતરાને રોટલો એ જ રીતે પક્ષીને ચણ નાખવાનો મહિમા છે. પ્રશાસન આજે કબૂતરોને ચણ ન નાખો એમ કહે છે. આવતી કાલે સરકાર એમ પણ કહેશે કે કૂતરાને અને ગાયને રોટલી ન ખવડાવો. સરકાર શું અમારા સંસ્કાર અને સંસ્કૃતિને છોડાવી દેવા માગે છે? BMC જોઈએ તો NGO કે પશુપ્રેમી સંસ્થાઓની મદદ લે, પણ હવે પછી અહીં એક પણ કબૂતર મરવું ન જોઈએ. પશુ-પક્ષીઓની રક્ષાનો કાયદો છે જ. અહીં કબૂતરખાનાની ફરતે ૧૦૦ વર્ષથી દુકાનો ચાલે છે. એ દુકાનદારોને, તેમના કર્મચારીઓને કબૂતરોથી ત્રાસ થવો જોઈતો હતો, પણ એવું નથી થતું. તેમને કોઈ ત્રાસ નથી થતો. કબૂતરખાનાની સામે જ ડૉક્ટરનું ક્લિનિક છે એ પણ કહે છે કે કબૂતરોને કારણે સ્વાસ્થ્ય પર અસર પડે એવું નથી. તો શું તેઓ ખોટા? તેમની ડિગ્રીની કોઈ વૅલ્યુ નહીં? કોઈ બહારનો માણસ વરસના વચલા દિવસે આવીને કહી જાય કે આ કબૂતરોથી ત્રાસ થાય છે એટલે આવી ઍક્શન લેવાની?’

