લોકસભાના ૪૮ મતવિસ્તારો વચ્ચે વિવિધ સ્પોર્ટ્સ કૉમ્પિટિશન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
એકનાથ શિંદે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી માટે મહારાષ્ટ્ર BJPએ ૧૭ પ્રકારના વિવિધ કાર્યક્રમોને સમાવતા ‘સેવા પખવાડિયા’ની જાહેરાત કરી છે. ૧૭ સપ્ટેમ્બરથી બીજી ઑક્ટોબર સુધી યોજાનારા સેવા પખવાડિયામાં મેડિકલ અને બ્લડ-ડોનેશન કૅમ્પ, સ્પોર્ટ્્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મૅરથૉન જેવા ઉપક્રમોનો સમાવેશ થાય છે.
BJPના મહારાષ્ટ્રના અધ્યક્ષ રવીન્દ્ર ચવાણે સેવા પખવાડિયાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સેવા પખવાડિયું એ માત્ર ઉજવણી નથી પણ એક જનકેન્દ્રી અભિયાન છે જેના દ્વારા કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભરતા જેવા મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવી શકાય.
ADVERTISEMENT
એક લાખ મોતિયાબિંદુનાં આૅપરેશન, ૧૦ લાખ લોકોને ચશ્માંનું વિતરણ
‘નમો નેત્ર સંજીવની’ કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્રમાં એક લાખ મોતિયાબિંદુનાં ઑપરેશન નિ:શુલ્ક કરવામાં આવશે. આંખોની તપાસ અને જરૂરિયાતમંદોને ચશ્માંનું વિતરણ પણ કરવામાં આવશે. આશરે ૧૦ લાખ લોકો આ અભિયાનનો લાભ લે એવો અંદાજ છે. મોટા પાયે બ્લડ-ડોનેશન કૅમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સરકારી યોજનાઓનો લાભ ૫૦ લાખ લોકો સુધી પહોંચાડવામાં આવશે
મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેના નેતૃત્વ હેઠળ ‘મહેસૂલ પખવાડિયા’ના આયોજન દ્વારા ૫૦ લાખથી વધુ લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે.
યુવાનો જોડાય એ માટેનાં ખાસ અભિયાનો
મહરાષ્ટ્રના યુવાનો સહભાગી થાય એ માટે BJPના યુવા મોરચાએ ૨૧ સપ્ટેમ્બરે મુખ્ય જિલ્લાઓમાં ‘મોદી વિકાસ મૅરથૉન’નું આયોજન કર્યું છે જેનો મુખ્ય હેતુ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝન માટે જાગૃતિ લાવવાનો છે. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન અને અવેરનેસ કૅમ્પેન પણ કરવામાં આવશે.
સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો
લોકસભાના ૪૮ મતવિસ્તારો વચ્ચે વિવિધ સ્પોર્ટ્સ કૉમ્પિટિશન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ૨૫ સપ્ટેમ્બરે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે પ્રતિમા પૂજન અને પ્રબુદ્ધ સંમેલનના કાર્યક્રમ દ્વારા દેશના વિકાસ અંગે જાહેર ચર્ચાઓનો કાર્યક્રમ યોજવામાં આવશે.
‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન
મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખાસ ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન ચલાવવામાં આવશે. એમાં હેલ્થ ચેક-અપ્સ, એનીમિયા, બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ ઉપરાંત TB જેવા ગંભીર રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.
આ ઉપરાંત દિવ્યાંગોના સન્માનનો કાર્યક્ર્મ, વૃક્ષારોપણ, ખાદીને પ્રોત્સાહન, વોકલ ફૉર લોકલ, વિકસિત ભારત થીમ પર ડ્રૉઇંગ કૉમ્પિટિશન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

