રેસ્ટોરાંમાં દરોડા પાડીને પોલીસે અન્ય ૩ યુવતીઓને મુક્ત કરાવી
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટના જવાહર રોડ પરની સમ્રાટ રેસ્ટોરાંમાં છટકું ગોઠવીને શનિવારે સાંજે પોલીસે હાઈ-પ્રોફાઇલ દેહવ્યાપાર ચલાવતી ૩૭ વર્ષની રિયા ખત્રીની પંતનગર પોલીસે ધરપકડ કરીને ૩ યુવતીઓને મુક્ત કરાવી હતી. દેહવ્યાપાર માટે એક યુવતી માટે ૩૫થી ૪૦ હજાર રૂપિયા સ્વીકારતી મહિલા વિશે માહિતી મળતાં પોલીસે બોગસ ગ્રાહક મોકલીને તેની ધરપકડ કરી હતી. અંબરનાથ અને ભિવંડીમાં રહેતી ગરીબ યુવતીઓની મજબૂરીનો લાભ ઉપાડીને આરોપી મહિલા તેમને દેહવ્યવસાયમાં ધકેલી રહી હોવાની માહિતી પોલીસે આપી હતી. લાચાર યુવતીઓને વધારે પૈસાની લાલચ આપીને આરોપી મહિલા ગ્રાહક માટે તૈયાર કરાવતી હોવાનો આરોપ પોલીસે કર્યો હતો.
પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ બોગસ ગ્રાહકને ૮ યુવતીના ફોટો મોકલ્યા હતા અને સાથે દાવો કર્યો હતો કે તમામ યુવતીઓ બાવીસ વર્ષથી ઓછી ઉંમરની છે. એ પછી બોગસ ગ્રાહકે ત્રણ યુવતીના ફોટો પસંદ કરતાં આરોપી મહિલાએ એક યુવતીનો ચાર્જ ૩૫,૦૦૦ રૂપિયા કહીને પોતાના કમિશનના ૫૦૦૦ મળી કુલ ૪૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. એટલા રૂપિયા આપવા માટેની તૈયારી દેખાડતાં શનિવારે સાંજે તેને સમ્રાટ રેસ્ટોરાંમાં બોલાવ્યો હતો. એ પછી આરોપી મહિલા ત્રણ યુવતીઓને લઈને ત્યાં આવી હતી. અગાઉની સૂચના અનુસાર બોગસ ગ્રાહકે એ પછી અમને જાણ કરતાં અમે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. તે વખતે ત્રણ યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલી આરોપી મહિલા વિશે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

