Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે પછી આંદોલન વગેરેની ભાંજગડ કરી છે તો અમારો પણ લાખોનો મોરચો નીકળશે

હવે પછી આંદોલન વગેરેની ભાંજગડ કરી છે તો અમારો પણ લાખોનો મોરચો નીકળશે

Published : 12 August, 2025 07:18 AM | Modified : 13 August, 2025 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કબૂતરખાનાના મામલે સુપ્રીમ કોર્ટે દરમ્યાનગીરી કરવાની ના પાડી દીધી અને મરાઠી એકીકરણ સમિતિએ જીવદયાપ્રેમીઓને આપી ચેતવણી

ગઈ કાલે BMCએ દાદર કબૂતરખાના પર ફરીથી તાડપત્રી લગાવી દીધી હતી. તસવીર : કીર્તિ સુર્વે પરાડે.

ગઈ કાલે BMCએ દાદર કબૂતરખાના પર ફરીથી તાડપત્રી લગાવી દીધી હતી. તસવીર : કીર્તિ સુર્વે પરાડે.


દાદર કબૂતરખાના હવે હંમેશ માટે બંધ જ રહેવું જોઈએ એવી માગણી સાથે સ્થાનિક મરાઠી માણસો આવતી કાલે ૧૦ વાગ્યે ત્યાં ભેગા થવાના છે અને છઠ્ઠી ઑગસ્ટે તાડપત્રી ફાડી નાખીને કાયદો હાથમાં લેનારા લોકો સમક્ષ કાર્યવાહી થાય એવી માગણી કરવાના છે


દાદરના કબૂતરખાનાને શરૂ કરવા માટે જૈન સમુદાયના આંદોલન પછી હવે મરાઠી એકીકરણ સમિતિએ દાદરનું કબૂતરખાનું કાયમ બંધ રહેવું જોઈએ એવી માગણી કરવા આવતી કાલે સવારે ૧૦ વાગ્યે ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું છે. આ ઘટનાક્રમને પગલે આ વિવાદ હજી વકરશે એવું લાગે છે.



ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કબૂતરોને અચાનક ચણ નાખવાનું બંધ કરવું એ યોગ્ય નથી, એના માટે મહાનગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એ નિવેદન પછી ૬ ઑગસ્ટે દાદરના કબૂતરખાના પર લગાડવામાં આવેલી તાડપત્રી ફાડીને જૈન અને હિન્દુ સમુદાયના જીવદયાપ્રેમીઓ અત્યંત આક્રમક બની ગયા હતા. જીવદયાપ્રેમીઓમાંથી‌ કેટલીક મહિલાઓ સૂતળી અને દોરડાં કાપવા માટે છરીઓ લઈને આવી હતી એને પગલે પણ વિવાદ થયો હતો.


મરાઠી એકીકરણ સમિતિએ જૈન સમુદાયના આ આંદોલનનો જવાબ આપવાની ચેતવણી આપી છે. કાયદો ન માનનારા, પોલીસ સાથે ધક્કામુક્કી કરનારા, છરી લાવીને પ્રશાસનને નુકસાન પહોંચાડનારા, નાગરિકોને ત્રાસ આપનારા, કોર્ટનું અવમાન કરનારા, નાગરિકોના આરોગ્ય પર જોખમ ઊભું કરનારા, ફરીથી બળજબરીપૂર્વક કબૂતરખાનું શરૂ કરનારા તમામ લોકો પર કાર્યવાહી થાય એવી માગણી અમે શાસન સામે માંડીશું એવું આ સમિતિએ જાહેર કર્યું છે. પોલીસે એ દિવસે કોઈ પણ કાર્યવાહી કેમ ન કરી એ પૂછવા અમે આવતી કાલે આવવાના છીએ એમ જણાવતાં મરાઠી એકીકરણ સમિતિએ કહ્યું છે કે દાદર કબૂતરખાના બંધ થયું અને હવે એ હંમેશ માટે બંધ જ રહેવું જોઈએ એ જણાવવા સ્થાનિક મરાઠી માણસો મોટી સંખ્યામાં ભેગા થવાના છે અને પોતાનું નિવેદન આપવાના છે.

મરાઠી એકીકરણ સમિતિએ એવી પણ ચેતવણી આપી છે કે આ પછી આંદોલન વગેરે કરવાની ભાંજગડ કરી તો અમારો પણ લાખોનો મોરચો નીકળશે એની નોંધ લેવી.


રવિવારે કોલાબા જૈન સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન જૈન મુનિ નીલેશચંદ્ર વિજયે દાદર કબૂતરખાના પાસે જઈને સરકાર અને કોર્ટને પડકાર્યાં હતાં, જેના થોડા કલાકોમાં જ ચક્ર ફરી વળ્યું અને મુંબઈ મહાનગરપાલિકાએ ફરી એક વાર દાદરના કબૂતરખાનાને તાડપત્રીથી ઢાંકી દીધું છે. મહાનગરપાલિકાએ ગયા વખત કરતાં વધુ મજબૂત વ્યવસ્થા કરી છે. ચારેબાજુ તાડપત્રી લગાવી છે જેથી એક પણ કબૂતર અંદર ન પ્રવેશે. કબૂતરખાનાની ચારેબાજુ ગોળાકાર બૅરિકેડ્સ બનાવવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં રમખાણ-નિયંત્રણ ટીમ સહિત મોટી પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું વિવાદાસ્પદ ટી-શર્ટ

આવતી કાલે મરાઠી એકીકરણ સમિતિ દાદર કબૂતરખાના પાસે કબૂતરખાનાને હંમેશ માટે બંધ રાખવાની માગણી સાથે આંદોલન શરૂ કરે એ પહેલાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સંદીપ દેશપાંડેના ફોટો સાથે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલું ટી-શર્ટ પરનું લખાણ વિવાદાસ્પદ બન્યું છે. આ ટી-શર્ટ પર લખેલું છે, `નરેસ, સુરેસ, પરેસ ચડ્ડીત રાહાયચ.’ તેણે હાથે કરીને ‘શ’ને બદલે ‘સ’ લખીને ગુજરાતીઓની મજાક કરી છે. આ ટી-શર્ટ મુંબઈમાં રહેતા ગુજરાતીઓ માટે પરોક્ષ ચેતવણી હોવાની ચર્ચા દાદરમાં જોરશોરથી ચાલી રહી છે. એથી સૌનું ધ્યાન એના પર કેન્દ્રિત છે. સંદીપ દેશપાંડેના ટી-શર્ટ પરથી સૌના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો છે કે શું આગામી દિવસોમાં દાદર કબૂતરખાના બંધ કરવાના મુદ્દા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આક્રમક બનશે?

Whatsapp-channel Whatsapp-channel

13 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK