મહારાષ્ટ્રમાં રહેતા ભોજપુરી ઍક્ટર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆની ઓપન ચૅલેન્જ
ભોજપુરી ઍક્ટર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ
મરાઠી બોલવાનો વિવાદ જ્યારે વકરી રહ્યો છે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શનિવારની સભામાં ચોખ્ખું કહી દીધું કે જે મરાઠી બોલવાની ના પાડે તેને ફટકારવા, પણ એટલું ધ્યાન રાખવું કે એ બાબતનો વિડિયો ન લેવો. એની સામે હવે ભોજપુરી ઍક્ટરે ચૅલેન્જ ફેંકી છે. તેણે કહ્યું છે કે ‘કિસી મેં દમ હૈ તો હમ કો મહારાષ્ટ્ર સે નિકાલ કે દિખાએં. હું મરાઠી નથી બોલતો, મને મહારાષ્ટ્રમાંથી કાઢીને બતાવો. હું બધા જ રાજકારણીઓને ખુલ્લી ચૅલેન્જ આપું છું, જો તમારામાં દમ હોય તો મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો. હું અહીં જ રહું છું. આવું ગંદું રાજકારણ ન કરવું જોઈએ. હું પોતે કલાકાર પણ છું અને રાજકારણી પણ છું. હું માનું છું કે રાજનીતિ ક્યારેય પણ લોકોના ભલા માટે હોવી જોઈએ, દેશના ભલા માટે હોવી જોઈએ. આ રીતની ગંદી રાજનીતિ ન હોવી જોઈએ, ક્યાંય પણ. જો કોઈનામાં ક્ષમતા હોય કે તે પાંચ ભાષા શીખી શકે છે તો શીખે, કારણ કે મરાઠી બહુ જ સારી ભાષા છે, ભોજપુરી જેવી જ પ્યારી ભાષા છે. ગુજરાતી છે, મરાઠી છે, તેલુગુ છે, તામિલ છે, કન્નડ છે, બધી ભાષાની પોતાની સુંદરતા છે. જો ક્ષમતા હોય તો બધી ભાષા શીખવી જોઈએ, પણ જો ન શીખી શકો તો કાંઈ જરૂરી નથી. કોઈને ટાર્ગેટ ન કરવો જોઈએ. આ ગંદી રાજનીતિ છે, એવું ન થવું જોઈએ.’

