પુત્રને સરપ્રાઇઝ આપવા માગતો દહિસરનો ગુજરાતી વેપારી છેતરાયો, પોલીસમાં ફરિયાદ નોંધાવી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઍમૅઝૉનની વેબસાઇટ પરથી ઑર્ડર કરેલા ૪૦,૦૦૦ રૂપિયાના મોબાઇલના ડિલિવરી-બૉક્સમાં માત્ર મોબાઇલ-ચાર્જર અને બૅક કવર નીકળતાં બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને દહિસર-ઈસ્ટના મિસ્કિટાનગરમાં ચશ્માંની દુકાન ધરાવતા ૪૭ વર્ષના ભાવિન શેઠે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ગઈ કાલે દહિસર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર પોલીસે ઍમૅઝૉન કંપનીની વસ્તુ ડિલિવરી કરનાર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એ ઉપરાંત પોલીસ મોબાઇલના ઇન્ટરનૅશનલ મોબાઇલ ઇક્યુપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) નંબર દ્વારા પણ તપાસ કરી રહી છે.
મારા પુત્રને SSCમાં સારા માર્ક આવતાં તેને સરપ્રાઇઝ આપવા મેં આ મોબાઇલ ઑર્ડર કર્યો હતો, જોકે જ્યારે મારા પુત્રએ મોબાઇલનું બૉક્સ ખોલી જોયું ત્યારે અંદરથી માત્ર ચાર્જર અને બૅક કવર નીકળ્યું હતું એમ જણાવતાં ભાવિન શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨ જૂને મેં ઍમૅઝૉન વેબસાઇટ પર ટાઇટેનિયમ ક્રોમ 16 GB રૅમ અને 512 GB ઇન્ટર્નલ સ્ટોરેજવાળો નિયો 10 મોબાઇલ ઑર્ડર કર્યો હતો જેની કિમત ૪૦,૯૯૮ રૂપિયા હતી. આ મોબાઇલનું પેમેન્ટ મેં ઍડ્વાન્સમાં કરી દીધું હતું. દરમ્યાન ૧૮ જૂને સવારે મારી દુકાને આ મોબાઇલ બૉક્સની ડિલિવરી થઈ હતી. ત્યાર બાદ સાંજે મારા પુત્રને મોબાઇલ ભેટ આપી તેને મોબાઇલ બૉક્સ ખોલવા માટે કહ્યું હતું ત્યારે અંદરથી માત્ર મોબાઇલનું ચાર્જર અને કવર મળ્યું હતું. તાત્કાલિક મેં ઍમૅઝૉનના કસ્ટમર કૅરને ફોન કરી માહિતી આપી હતી. જોકે મારી ૨૦ કરતાં વધારે ફરિયાદો સામે તેમણે કોઈ યોગ્ય જવાબ આપ્યો નહોતો એટલે મેં ઘટનાની ફરિયાદ દહિસર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’
ADVERTISEMENT
દહિસર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે અમે છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કોણે મોબાઇલ કાઢી લીધો એની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં અમે મોબાઇલની ડિલિવરી કરનાર વ્યક્તિની તપાસ કરી રહ્યા છીએ.’

