ફેક ઇન્વેસ્ટમેન્ટ પ્લૅટફૉર્મ બનાવીને ૫.૩૯ કરોડ પડાવવા બદલ મોહમ્મદ કલીમ ખાનની ધરપકડ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગોલ્ડન બ્રિજ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ નામનું ફેક સ્ટૉક ઇન્વેસ્ટમેન્ટ પ્લૅટફૉર્મ બનાવીને ૫.૩૯ કરોડ રૂપિયાનું સ્કૅમ કરનાર સાકીનાકાના રહેવાસી મોહમ્મદ કલીમ અકબર અલી ખાનની સાઇબર પોલીસે ધરપકડ કરી છે. નોંધનીય વાત એ છે કે ૨૯ વર્ષના આ આરોપીના નામે દેશભરમાં સાઇબર ફ્રૉડના ૫૧ કેસ નોંધાયા છે.
આ કેસના ફરિયાદી મલબાર હિલના રહેવાસી એક બિઝનેસમૅને પોલીસને જણાવ્યું હતું કે આકૃતિ દેસાઈ નામની એક મહિલાને તેઓ ટૉપ ફેસ ડેટિંગ ઍપ પર મળ્યા હતા. ત્યાં તેણે દિલ્હીની બિઝનેસવુમન હોવાનું કહીને ફરિયાદી સાથે દોસ્તી કરી હતી. ત્યાર બાદ તેણે ગોલ્ડન બ્રિજ ઇન્વેસ્ટમેન્ટ (અગાઉ GEWE) નામે ઓળખાતી ફ્રૉડ ટ્રેડિંગ ઍપમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. એમાં તેમણે ૫.૪૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું જેની સામે તેમને ૮૦ કરોડનો નફો થયો હતો. જોકે આ રૂપિયા ઉપાડતાં પહેલાં તેમણે ૩૦ ટકા ટૅક્સ ભરવો પડશે એમ કહેવામાં આવ્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે ફ્રૉડ થયો છે.
ADVERTISEMENT
આ ફરિયાદને પગલે પોલીસને મોટું સ્કૅમ બહાર લાવવામાં સફળતા મળી છે અને આ કાવતરાના અન્ય સાગરીતોની તપાસ પણ પોલીસે શરૂ કરી છે.
ગાર્મેન્ટના બિઝનેસમાં પ્રૉફિટની લાલચ આપીને બે મહિલાઓએ બિઝનેસમૅન પાસેથી ૭૭ લાખ ખંખેર્યા
નવી મુંબઈના ઉરણમાં રહેતી બે મહિલાઓએ ૩૪ વર્ષના બિઝનેસમૅન પાસેથી ગાર્મેન્ટ બિઝનેસમાં રોકાણ કરીને ભારે વળતર મેળવવાની સ્કીમ આપીને ૭૭ લાખ રૂપિયા પડાવ્યા હતા. દોઢ વર્ષ થવા છતાં વ્યાજ તો ઠીક પણ મુદ્દલ મૂડી પણ પાછી ન મળતાં બિઝનેસમૅને ન્હાવા-શેવા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે બે મહિલાઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી) અને કલમ ૪૦૬ (વિશ્વાસનો ગુનાહિત ભંગ) હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

