પોલીસે બન્નેને તાબામાં લઈને પૂછપરછ હાથ ધરી
સલમાન ખાનના બિલ્ડિંગમાં લિફ્ટ સુધી પહોંચી ગયેલી ઈશા છાબડા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘૂસણખોરીના પ્રયાસો પછી પોલીસ વધુ સતર્ક થઈ ગઈ હતી.
બાંદરા-વેસ્ટના ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં રહેતા સલમાન ખાનના ઘરે બુધવારે સુરક્ષાગાર્ડ અને પોલીસ-કર્મચારીઓને ગેરમાર્ગે દોરીને એક મહિલા અને યુવકે ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો જેમાંથી મહિલાએ સલમાન ખાનના ઘરની બહાર સેલ્ફી લીધો હોવાનું કહેવાય છે. આ મામલે બાંદરા પોલીસે સલમાન ખાનના ઘરમાં ગેરકાયદે ઘૂસવાની કોશિશ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધીને બન્નેને તાબામાં લીધાં છે. એક પછી એક થયેલા ભંગથી અભિનેતાના નિવાસસ્થાનની સુરક્ષા-વ્યવસ્થાની અસરકારકતા પર ગંભીર પ્રશ્ન ઊભા થયા છે.
બાંદરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૨ વર્ષની જુનિયર આર્ટિસ્ટ ઈશા ભૂષણ છાબડા બુધવારે સવારે ૩.૨૨ વાગ્યે બિલ્ડિંગમાં ગઈ હોવાનું કહેવાય છે. સારા દેખાતા પહેરવેશમાં તે એક કારમાં આવીને મુખ્ય ગેટમાંથી પસાર થઈ હતી. જ્યાં સલમાન ખાનની સુરક્ષા માટે પોલીસ તહેનાત હતી ત્યાં પ્રવેશ પ્રતિબંધિત હોવા છતાં બિલ્ડિંગના પ્રાઇવેટ સુરક્ષારક્ષકને પ્રવેશવા માટે મનાવવામાં સફળ રહી હતી. ત્યાર બાદ તેણે સલમાન ખાનના ફ્લૅટની બહાર લૉબીમાં જઈને સેલ્ફી લીધો હતો. ત્યાર બાદ તે પરિસરમાંથી બહાર નીકળીને કારમાં પાછી ચાલી ગઈ હતી. દરમ્યાન સુરક્ષા-કર્મચારીઓને જ્યારે મહિલા પાછી ગઈ ત્યારે તેના પર શંકા જતાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવતાં ખાતરી થઈ હતી કે મહિલાએ ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી. એ પછી તાત્કાલિક ઘટનાની જાણ બાંદરા પોલીસને કરવામાં આવતાં પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજના આધારે કારની વિગતો મેળવીને ઈશાને કાર્ટર રોડની એક સોસાયટીમાંથી શોધી કાઢીને કસ્ટડીમાં લીધી હતી. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે.’
ADVERTISEMENT
બીજા કેસ સંદર્ભે માહિતી આપતાં બાંદરાના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છત્તીસગઢનો ૨૩ વર્ષનો જિતેન્દ્ર કુમાર હરદયાલ સિંહ મંગળવારે સવારે આઠ વાગ્યે ગૅલૅક્સી અપાર્ટમેન્ટની બહાર આવ્યો હતો. એ સમયે સુરક્ષારક્ષકે તેને રોકવાની કોશિશ કરતાં તેણે પોલીસ-અધિકારી સામે જ પોતાનો મોબાઇલ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ ત્યાંથી નાસી ગયો હતો. જોકે એ જ દિવસે સાંજે તેણે ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં જતી કારની પાછળ બીજી કારમાં બેસીને ઘૂસવાની કોશિશ કરી હતી, પણ ત્યારે અમારા પોલીસ-અધિકારીએ તેને પકડીને અમને સોંપી દીધો હતો. આ ઘટના બાદ અમે જિતેન્દ્ર કુમાર સામે ફરિયાદ નોંધી છે.’

