ભારે વરસાદને કારને અન્ડરપાસમાં ભરાયેલાં પાણીનો અંદાજ ન આવતાં કારચાલક અન્ડરપાસમાં કાર લઈ તો ગયો, પણ કાર પાણીમાં તરવા લાગી હતી
અન્ડરપાસમાં ફસાઈ ગયેલી કારને સ્થાનિક લોકોએ ચપળતાથી બહાર કાઢીને બે લોકોનો જીવ બચાવ્યો
ડાઇઘર-શીળ રોડ નજીક આવેલાં નારીવલી અને ઉત્તરશિવ ગામડાંઓ પાસે એક અન્ડરપાસમાં ભરાયેલાં પાણીમાં SUV કાર ફસાઈ ગઈ હતી. ભારે વરસાદને કારને અન્ડરપાસમાં ભરાયેલાં પાણીનો અંદાજ ન આવતાં કારચાલક અન્ડરપાસમાં કાર લઈ તો ગયો, પણ કાર પાણીમાં તરવા લાગી હતી અને આગળની બાજુ નમીને ત્રાંસી થઈને અટકી ગઈ હતી. આવી પરિસ્થિતિમાંથી કારચાલકને બચાવવા માટે સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. બે વ્યક્તિએ કારને ધક્કો મારીને સીધી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ એક યુવકે કારના બોનેટ પર ચડી કારને દબાણ આપીને સીધી કરી ત્યારે આગળની બન્ને સીટ પર બેઠેલી બે વ્યક્તિ કારના દરવાજાની બારીમાંથી બહાર નીકળી હતી. કાર જેવી સીધી થઈ એવી પાણીમાં ડૂબી ગઈ હતી. જોકે એ પહેલાં જ સ્થાનિક લોકોની ચતુરાઈને લીધે કારમાં મુસાફરી કરી રહેલા બે લોકોને આબાદ રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. શીળ પોલીસે આ કેસની ખરાઈ કરી છે, પરંતુ કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જણાવ્યું હતું.

