ઓલા અને ઉબરને કૉમ્પિટિશન આપશે ભારત ટૅક્સી
ગઈ કાલે મુંબઈમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કોઈક વાતે હસતા જોવા મળ્યા હતા (તસવીર : આશિષ રાજે)
આ વર્ષની ઉજવણી ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન યર તરીકે થઈ રહી છે ત્યારે સરકાર સહકાર ક્ષેત્રમાં અનેક પ્રોજેક્ટ્સ લાવી રહી છે જેને કારણે રોજગારને પ્રોત્સાહન મળશે અને ઇકૉનૉમીને પણ બૂસ્ટ મળશે એમ કેન્દ્રના સહકારપ્રધાન અમિત શાહે ગઈ કાલે જણાવ્યું હતું. આ માટે હવે ઓલા-ઉબર જેવું ‘ભારત’ ટૅક્સીનું કો-ઑપરેટિવ સંગઠન અમે તૈયાર કરી રહ્યા છીએ એમ જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે એમાં ડ્રાઇવરો માત્ર ભારત કો-ઑપરેટિવ ટૅક્સી સાથે જોડાયેલા જ નહીં હોય, ઓનર પણ હશે અને પ્રૉફિટનો હિસ્સો સીધો તેમના બૅન્ક-અકાઉન્ટમાં જમા થશે.
મુંબઈમાં ગઈ કાલે મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ, ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરના નવા હેડક્વૉર્ટરના ઉદ્ઘાટન પ્રસંગે સભ્યોને અમિત શાહે સંબોધ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દોરવણી હેઠળ કો-ઑપરેટિવ સેક્ટરનો દરેક રાજ્યમાં સરખો ફેલાવો થાય અને વિકાસ થાય એવાં પગલાં લેવામાં આવી રહ્યાં છે અને એને કારણે ઇકૉનૉમીને પણ વેગ મળશે. આપણા દેશનો વિકાસ જાણવા માત્ર ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) જ પૂરતી નથી. ૧૩૦-૧૪૦ કરોડની વસ્તી સાથે GDP તો વધશે જ, પણ સાથે બધાને રોજગાર પણ મળવો જોઈએ. જો ગામડાંની મહિલાઓ અને યુવાનોને રોજગાર મળવાની શક્યતાઓ ઊભી કરવી હોય તો કો-ઑપરેશન એ એક જ સાધન રહેશે જેનાથી તેમને રોજગારની તકો વધુ મળી શકશે. એટલે જ અમે કો-ઑપરેટિવ સેક્ટરને વધુ સરળ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.’

