આઠમી માર્ચની આ ઘટના વિશે મૃત્યુ પામેલી ટીનેજરનાં મમ્મી-પપ્પાએ તપાસ કરી તો ખબર પડી કે તેના મિત્રો એ દિવસે ઘરે આવ્યા હતા: ત્યાર બાદ પોલીસે કરેલા ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે ફ્રેન્ડે તેની સાથેના અંતરંગ ફોટો જાહેર કરવાની ધમકી આપી હતી
પ્રતીકાત્મક તસવીર
મસ્જિદ બંદરમાં રહેતી ૧૯ વર્ષની ટીનેજરે આઠમી માર્ચે જીવન ટૂંકાવી દીધું હતું. એ કેસમાં તેનાં મમ્મી-પપ્પાએ સોસાયટીના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને તેનો ફોન ચેક કર્યા બાદ તેમની દીકરીના ટીનેજર ફ્રેન્ડે તેને આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાનું જણાઈ આવ્યું હતું. એથી તેમણે પાયધુની પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં પાયધુની પોલીસે ટીનેજર ફ્રેન્ડ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.
ટીનેજર ચર્ની રોડની કૉલેજમાં બૅચલર ઑૅફ બૅન્કિંગ ઍન્ડ ઇન્શ્યૉરન્સનું ભણતી હતી. તેની મમ્મી ગૃહિણી છે અને પિતા એસ્ટેટ એજન્ટનું કામ કરે છે. ઘટનાને દિવસે ટીનેજર કૉલેજ ગઈ હતી, જ્યારે તેનાં મમ્મી-પપ્પા મફતલાલ બાથ ગયાં હતાં. ટીનેજર ત્યાર બાદ ઘરે આવી હતી. તેનાં મમ્મી-પપ્પાએ જ્યારે તેને ફોન કર્યો તો તે રિસીવ નહોતી કરી રહી. એથી કશુંક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેમણે પાડોશીઓને ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેણે આત્મહત્યા કરી છે એથી તેઓ તરત જ ઘરે પહોંચ્યાં હતાં અને ટીનેજરને નૂર હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી.
ADVERTISEMENT
ઘટનાના થોડા દિવસ બાદ ટીનેજરનાં મમ્મી-પપ્પાએ બિલ્ડિંગના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં તો એમાં ૧૯ વર્ષનો આરોપી સોહમ બેંગડે બીજી એક છોકરી જે તેમની કૉમન ફ્રેન્ડ હતી તેની સાથે તેમના ઘરમાં ઘટનાના દિવસે આવ્યો હોવાનું દેખાઈ આવ્યું હતું. એથી ટીનેજરનાં મમ્મી-પપ્પાએ દીકરીનો મોબાઇલ ફોન ચેક કર્યો તો સોહમ અને અન્ય મિત્રોના આઠમી માર્ચે ઘણા બધા મિસકૉલ જોવા મળ્યા હતા. મમ્મી-પપ્પાએ પછી પોલીસનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે સોહમ અને તેમની દીકરી અને અન્ય ટીનેજરો બધા સારા મિત્રો હતા, પણ સોહમે તેમની દીકરીને કરેલા મેસેજિસ વાચ્યા પછી તેમને ખબર પડી હતી કે ફેબ્રુઆરીમાં કૉલેજની ઉત્તરાખંડમાં ગયેલી પિકનિક વખતે સોહમે તેની મારઝૂડ કરી હતી અને તે બીજા યુવાન સાથે અફેર ધરાવે છે એવા આક્ષેપ કર્યા હતા.
એથી પાયધુની પોલીસે આ બાબતે તપાસ કરી સોહમનો ફોન ચેક કર્યો હતો જેમાં મરનાર ટીનેજર સાથે તેનાં ઘણાં બધાં ઇન્ટિમેટ પિક્ચર્સ હોવાનું જણાઈ આવ્યું હતું. સોહમે ટીનેજરને કરેલા મેસેજિસમાં ધમકીઓ આપી હતી કે તે એ પિક્ચર્સ ઑનલાઇન વાઇરલ કરી દેશે. મૃત્યુ પામનારી ટીનેજરનાં મમ્મી-પપ્પાએ ત્યાર બાદ ફરિયાદ કરતાં પાયધુની પોલીસે સોહમ બેંગડે સામે આત્મહત્યા કરવા પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.

