જો ફરી પાછી પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે TMCની સ્કૂલો અને અન્ય ઇમારતો તૈયાર રાખવામાં આવી છે.
ગઈ કાલે બપોરે ભાંજેવાડીમાં પહોંચેલા એકનાથ શિંદે.
ગઈ કાલે વહેલી સવારથી પડતા ભારે વરસાદને કારણે થાણેના નૌપાડા વિસ્તારની ભાંજેવાડીની બેઠી ચાલનાં ૬૩ જેટલાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે સ્થાનિક લોકોનાં જનજીવન ખોરવાઈ ગયાં હતાં. જોકે એ પરિસ્થિતિ જોતાં ગઈ કાલે બપોરે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઘટનાસ્થળે જઈને સ્થાનિક લોકોને મળીને તેમને હિંમત આપી હતી અને લોકોને કોઈ તકલીફ ન થાય એ માટેના આદેશ TMCના કમિશનરને આપ્યા હતા. એકનાથ શિંદેએ તાત્કાલિક ભરાયેલાં પાણી માટે તાત્કાલિક પમ્પ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. એ ઉપરાંત હવે પછી કોઈ જાનહાનિ ન થાય અને આ વિસ્તારમાં પાણી ન ભરાય એ માટે સતર્ક રહેવાની સૂચના આપી હતી.
બીજી તરફ TMCના કમિશનર સૌરભ રાવે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ભાંજેવાડી વિસ્તારમાં રહેતા લોકોને અમે તાત્કાલિક સલામત સ્થળે ખસી જવાની વિનંતી કરી હતી, પણ તેમણે એ જ વિસ્તારમાં રહીને ત્યાંની પરિસ્થિતિ સુધારવાનો આગ્રહ કર્યો હતો એ મુજબ અમારા અધિકારીઓએ પમ્પનો ઉપયોગ કરતાં પાણી ઓસરી ગયાં હતાં. એ ઉપરાંત તેમને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. જો ફરી પાછી પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે TMCની સ્કૂલો અને અન્ય ઇમારતો તૈયાર રાખવામાં આવી છે.’

