શિક્ષણ જગતમાં અડધા દાયકાથી વધુ કાર્યરત રહ્યા પછી ગયા વર્ષે જ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરનો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ પણ મળ્યો હતો. મળીએ આજે આ બહુમુખી પ્રતિભાને
રૂમાલ પર ભરતકામ કરતાં, સિલાઈ મશીન પર કામ કરતાં મીનાબહેન દિવેટિયા.
વિલે પાર્લેમાં રહેતાં ૮૮ વર્ષનાં મીનાબહેન દિવેટિયા આ ઉંમરે પણ નવું-નવું શીખવાનો અને ક્રીએટિવ કામ કરતાં રહેવાનો ઉત્સાહ ધરાવે છે. તેઓ આ ઉંમરે ડ્રૉઇંગ ક્લાસમાં જાય છે, ડૂડલ આર્ટ પણ કરે છે, સિલાઈ મશીન પર નકામા કાપડમાંથી ઘરે પાંચ બાય આઠ ફીટનાં ગોદડાં સીવે છે, ભરતકામ કરે છે, ગિફ્ટ બૉક્સિસ તૈયાર કરે છે, પોટલીઓ સીવે છે. ક્રીએટિવ કામ તેમને ખૂબ ગમે છે અને શોખથી એ કરે છે. શિક્ષણ જગતમાં અડધા દાયકાથી વધુ કાર્યરત રહ્યા પછી ગયા વર્ષે જ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરનો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ પણ મળ્યો હતો. મળીએ આજે આ બહુમુખી પ્રતિભાને
શીખવાની એક ઉંમર હોય. એક ઉંમર પછી કંઈ પણ નવું શીખવું અઘરું પડે કારણ કે મગજની શીખવાની ક્ષમતા ઘટતી જાય. વ્યક્તિને કંટાળો આવે. જેટલું કરી લીધું એટલું બસ છે એવું એક ઉંમરે લોકોને લાગવા લાગે છે. કેટલાક તો એવા પણ છે જે એવું વારંવાર કહેતા સંભળાય છે કે અમે ખૂબ કરી લીધું, હવે નહીં. પણ અમુક વ્યક્તિ નોખી માટીની બનેલી હોય છે. સતત કંઈક કરવું, રચ્યાપચ્યા રહેવું, નવું-નવું શીખવું, જાણવું, ક્રીએટિવ રહેવું એ અમુક લોકોને સ્વભાવગત હોય છે જેથી ઉંમર ગમેતેટલી વધી જાય પણ તે એવા ને એવા જ રહે છે. વિલે પાર્લેમાં રહેતાં ૮૮ વર્ષનાં મીનાબહેન દિવેટિયામાં આ ગુણો ભરપૂર વસ્યા છે. તેમની સતત શીખવાની, કંઈક નવું કરવાની ઝંખના અને સમયનો પૂરો ઉપયોગ કરવાની ઇચ્છા દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયી છે.
ADVERTISEMENT

મીનાબહેન દિવેટિયાને આંતરરાષ્ટ્રીય સ્તરનો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મળ્યો હતો.
ચિત્રો
૮૮ વર્ષની ઉંમરે મીનાબહેન ભરપૂર કલાત્મક કાર્યોમાં વ્યસ્ત રહે છે, જેમાંથી એક છે ડ્રૉઇંગ. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે ડ્રૉઇંગનાં ટ્યુશન લે છે. તેમના પતિ ૯૪ વર્ષના છે. તેમને આજકાલ એકલા મૂકીને તે નીકળતા નથી તો ઘરે ઑનલાઇન ક્લાસિસ લઈને પણ ડ્રૉઇંગ ચાલુ છે. એ વિશે વાત કરતાં મીનાબહેન કહે છે, ‘મને ડ્રૉઇંગ ખૂબ ગમે છે. કોરોનામાં મેં ડૂડલ આર્ટ શીખી હતી. ભગવાનનાં ચિત્રો દોરવાં મને અતિ ગમે છે. કૃષ્ણ, ગણપતિ, ભગવાન બુદ્ધનાં ચિત્રો દોરવાનો મને મહાવરો છે. મેં હોઠ અને નાક વ્યવસ્થિત દોરતાં શીખ્યા પણ મારે હજી આંખ અને એના ભાવ શીખવા છે. ડ્રૉઇંગ દ્વારા આંખોના અલગ-અલગ ભાવ કઈ રીતે બદલી શકાય એ કળા શીખવી છે. મારા મગજમાં એક ચિત્ર છે જે મીરા અને કૃષ્ણનું છે એ હું ચોક્કસ એક દિવસ દોરીશ એમ મેં વિચારી રાખ્યું છે.’


૮૮ વર્ષની ઉંમરે મીનાબહેને બનાવેલાં ભગવાન કૃષ્ણ અને શિવના ડ્રૉઈંગ્સ.
સિલાઈ-ભરતગૂંથણ
મીનાબહેનને નાનપણથી સિલાઈ કરવાનો ખૂબ શોખ છે. ઘણા લોકોને એ હોય પરંતુ ઉંમર સાથે સિલાઈ કામ અઘરું બને. સોયમાં દોરો નાખવો, એટલી એકાગ્રતા સાથે કામ કરવું, પકડવું અને મશીન ચલાવવું જરાય સહેલું નથી. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને વાંધો નથી આવતો. કોઈ પણ કામ તમે રેગ્યુલર કરતા રહો તો એ છૂટતું નથી એ મેં જોયું છે. મારું ઘર જ્યારે ૧૦ બાય ૧૦ની રૂમ હતી ત્યારે પણ મારા ઘરમાં સિલાઈ મશીન તો હતું જ. જૂનાં-નવાં કપડાં ભેગાં કરીને કંઈ ને કંઈ બનાવ્યા કરું. મને ધાબળા બનાવવા ખૂબ ગમે. રજાઈઓ ઘણી બનાવી છે મેં. ચાદરો પણ સીવું અને તૈયાર કરું. જૂના કાપડમાંથી સરસ પોટલીઓ સીવી નાખું. મને સીવવાનો જ નહીં, ભરવાનો પણ એટલો જ શોખ છે. જુદા-જુદા ટાંકા ટ્રાય કરું. રૂમાલો તો મેં એટલા ભર્યા છે કે ગણી પણ ન શકાય.’

મીનાબહેને બનાવેલી પોટલી.
ક્રીએટિવ વ્યસ્તતા
નવી અને જૂની પેઢીનો મોટો ફરક એ છે કે આજની નવી પેઢી સમય અને મોકો શોધતી હોય છે કંઈ નહીં કરવાનો કે આરામ કરવાનો અને જૂની પેઢી એવી છે જેને ૧ સેકન્ડનો આરામ પણ અકળાવતો હોય છે. એવી જ કંઈક વાત કરતાં મીનાબહેન કહે છે, ‘હાથને ખાલી રાખવા ગમે નહીં એટલે સતત કામ શોધું. સજાવટનો સામાન બનાવું. પાર્સલના ડબ્બાઓ, જૂની કંકોતરીઓ, જૂનાં કપડાં કશું ફેંકું નહીં. એમાંથી શું બનાવી શકાય એ વિચારું. પરબીડિયાં, જ્વેલરી બૉક્સ, સ્ટોરેજ બૉક્સ, કોસ્ટર્સ, ટેબલ મેટ્સ જેવું કેટલુંય બનાવ્યું છે મેં. એ બધું ઘરે સગાંસંબંધી, મિત્રો આવે અને તેમને ગમે તો તેમને ગિફ્ટમાં આપું. આ સિવાય બ્લૉક પ્રિન્ટિંગ પણ મેં શીખ્યું છે. ચાદરો પર કે રૂમાલ પર એ કરું છું. મને એકની એક વસ્તુ કરવાનો કંટાળો આવે એટલે સતત નવું-નવું શીખવું ગમે. રસોઈમાં પણ છેલ્લે હું કૉન્ટિનેન્ટલ ક્વિઝીન શીખી. આમ સતત નવું-નવું કર્યા કરું. મેં નાનપણમાં ભરતનાટ્યમની તાલીમ લીધેલી. સંગીતનો મને ઘણો શોખ છે એની પણ મેં તાલીમ લીધેલી છે. અભંગ સાંભળવાં મને ખૂબ ગમે. એક ઇચ્છા છે કે તબલાં શીખવાં છે. મારું અત્યંત પ્રિય વાદ્ય છે તબલાં. ભગવાન એટલી શક્તિ અને સમય આપે કે હું એ શીખી શકું.’
વાંચન
મીનાબહેન ઇન્ટરનેટ પર યુટ્યુબનો એકદમ સદુપયોગ કરી જાણે છે. એમાંથી નવું-નવું શીખ્યા કરે છે. તેમને વાંચનનો ગજબ શોખ છે. ગુજરાતી સાહિત્યથી લઈને અંગ્રેજી લેખકોને તેમણે વાંચ્યા જ નથી, પચાવ્યા પણ છે. એના વિશે વાત કરતાં મીનાબહેન કહે છે, ‘વાંચવામાં પણ મને વિવિધતા જોઈએ. હું ખેતીનાં પુસ્તકો પણ વાંચું છું. હમણાં જ મેં પક્ષીઓ પર એક પુસ્તક વાંચ્યું. છેલ્લાં ૫-૭ વર્ષથી મેં ધર્મગ્રંથોનું અધ્યયન કરવાનું શરૂ કર્યું છે. મેં ભાગવત, મહાભારત, મંડૂક ઉપનિષદ, પતંજલિ યોગસૂત્રનું અધ્યયન કર્યું. હાલમાં યોગ વશિષ્ઠ ચાલુ છે. મને લાગે છે કે મારે પહેલાં જ આ કરી લેવું જોઈતું હતું. આ જ્ઞાન જેટલું જલદી મેળવી લો એટલું તમારા માટે હિતકારી છે.’
શિક્ષણમાં પ્રદાન
સ્ત્રીઓ અને બાળકોના કલ્યાણ માટે ૧૯૨૯માં ભગિની સેવા મંદિર કુમારિકા સ્ત્રી મંડળની સ્થાપના ગાંધીજીએ કરેલી જેના ફાઉન્ડર ટ્રસ્ટીઝમાં શ્રી જમનાલાલ બજાજ અને કાકાસાહેબ કાલેલકર જેવા મહાનુભાવો હતા. ગાંધીજીની ઇચ્છા હતી કે આ સંસ્થા સ્ત્રીઓ જ ચલાવે જેની હેઠળ એમ. પી. શાહ ઇંગ્લિશ હાઈ સ્કૂલ શરૂ થઈ હતી અને એની સાથે-સાથે દિવ્યાંગ બાળકો માટે સ્કૂલ કલ્યાણ દીપ નામે સ્કૂલ અને દિવ્યાંગ વયસ્કો માટે વર્કશૉપ પણ શરૂ થઈ જેમાં મીનાબહેને બાવન વર્ષ માનદ સેવા આપી. શરૂમાં મંત્રીપદે અને પછી પ્રમુખપદે તેઓ કાર્યરત હતાં. આ સંસ્થાની પ્રગતિ માટે તેમણે અથાગ પરિશ્રમ કર્યો અને એટલે જ આજે પણ સંસ્થા સાથે સંલગ્ન છે. એ વિશે વાત કરતાં મીનાબહેન કહે છે, ‘જીવનમાં જો નોકરી કરતાં હો તો એમાં નિવૃત્તિ હોય, પણ સેવામાં નિવૃત્તિ ન હોય. કામ કરીએ તો થાક લાગે; સેવા કરીએ તો આનંદ આવે, ઉત્સાહ વધે અને ૮૮ વર્ષે આ કામ મારો ઉત્સાહ વધારે છે એટલે મારે એ કરવું છે. ભણતરથી ઉપર કંઈ જ નથી. આપણે બાળકોને સારામાં સારું ભણતર આપી શકીએ એ મારું લક્ષ્ય રહ્યું છે અને એટલે જ આજે પણ રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે પણ મારા મગજમાં નવા ક્રીએટિવ આઇડિયાઝ આવ્યા કરે કે સ્કૂલમાં ભણતરને વધુ રસપ્રદ કઈ રીતે બનાવી શકાય.’
અવૉર્ડ
મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજની સ્થાપના વખતે પાયાનું કામ કરનારા લોકોમાં મીનાબહેન એક હતાં. એ કૉલેજમાં પણ તેઓ ૪૦ વર્ષ સુધી મૅનેજમેન્ટ પક્ષે કાર્યરત હતાં. શિક્ષણમાં તેમણે આપેલા પ્રદાનને કારણે તેમને ૨૦૨૩-’૨૪માં ‘એજ્યુકેશન વર્લ્ડ’ તરફથી એજ્યુકેશન લીડરશિપ અવૉર્ડ હેઠળ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ તેમને મળ્યો હતો. આ અવૉર્ડ હજી સુધી ભારતમાં ત્રણ અને અમેરિકામાં એક વ્યક્તિને મળ્યો છે. એ વિશે વાત કરતાં મીનાબહેન કહે છે, ‘અમારી સ્કૂલમાં ૩૦ ટકા સ્લમનાં બાળકો આવે છે. તેમના ફક્ત ભણતરની નહીં, ગણતરની અને સંસ્કારની જવાબદારી પણ સ્કૂલે લીધી છે કારણ કે મને લાગ્યું કે જે ઘરોમાં માતા-પિતાને બાળક માટે સમય નથી એ ઘરોનાં બાળકોના ઉછેર, તેમની કેળવણીની સંપૂર્ણ જવાબદારી સ્કૂલની હોય છે. એ માટે મેં ખૂબ પ્રયત્નો કર્યા. બાળકો માટે સંસ્કૃત ભાષા શીખવી ઘણી જરૂરી છે એમ હું માનું છું એટલે સ્કૂલમાં નાનપણથી બાળકોને સંસ્કૃત શીખવવા પર ભાર આપ્યો.’
ઉત્સાહ
ઉંમરના આ પડાવે શીખવા માટેનો આ ઉત્સાહ તમે લાવો છો જ્યાંથી? આ પ્રશ્નનો જવાબ આપતાં મીનાબહેન કહે છે, ‘જીવન તમને બીજું કંઈ આપે કે ન આપે, શીખવાનો મોકો આપે છે. જો ઉંમરના બહાને તમે એ મોકો ગુમાવી બેસો તો નુકસાન તમારું જ છે. મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિએ જીવનમાં નવી વસ્તુઓ શીખવાનો ઉત્સાહ ટકાવી જ રાખવો જોઈએ. હું એક સંતોષી જીવ છું પણ એનો અર્થ એ નથી કે હવે જેટલું શીખી લીધું એટલું બસ કરીને સંતોષ મનાવું. શીખવાની ભૂખ તમારી જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી તમે જીવંત છો.’


