સવારે ૮.૩૦ વાગ્યે ચંદનબાળા જૈન સંઘ, વાલકેશ્વરથી મહારથયાત્રા પ્રયાણ કરશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મહાનગરમાં શાસ્ત્રસાપેક્ષતા અને વિધિમાર્ગના આદર્શને પ્રસ્થાપિત કરતી એક અનુકરણીય મહારથયાત્રા રવિવારે ૨૧ સપ્ટેમ્બરે મુંબઈના મધ્યવર્તી મહામાર્ગો પર પ્રભુ મહાવીરના શાસનનો જયજયકાર કરતી નીકળશે. સવારે ૮.૩૦ વાગ્યે ચંદનબાળા જૈન સંઘ, વાલકેશ્વરથી મહારથયાત્રા પ્રયાણ કરશે. આ મહારથયાત્રા ચોપાટી-સુખસાગર, ગિરગાંવ, ખેતવાડી, સી. પી. ટૅન્ક થઈને ભુલેશ્વર-મોતીશા લાલબાગ જૈન મંદિરે સંપન્ન થશે. ત્યાર બાદ વિરાટ ધર્મસભામાં રથયાત્રાનો મહિમા પૂજ્ય ગુરુભગવંતો સમજાવશે અને આગામી આયોજનની જાહેરાત થશે.
જૈન આગમાદિ ધર્મશાસ્ત્રો અને એને અનુસરતી સામાચારી મુજબ આરાધના કરનાર-કરાવનારા બૃહન્મુંબઈના સંઘો અને સમસ્ત સંઘના આરાધકો દ્વારા આ રથયાત્રાનું મહા આયોજન શ્રી પર્યુષણ મહાપર્વ નિમિત્તે બૃહન્મુંબઈમાં થયેલી તપશ્ચર્યાઓની અનુમોદનાર્થે તથા શ્રાવક જીવનના વાર્ષિક કર્તવ્યના પાલનરૂપે કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
તપાગચ્છનો સૌથી સુવિશાળ સમુદાય જેઓશ્રીના પવિત્ર નામથી પ્રસિદ્ધ છે એવા ‘સૂરિરામચન્દ્ર’ સમુદાયના અને સૂરિશાંતિચન્દ્ર તેમ જ સિદ્ધિસૂરિજી મહારાજાના સમુદાયના પૂજ્યો પૈકી દક્ષિણ મુંબઈમાં ચાતુર્માસાર્થે બિરાજમાન પ્રસિદ્ધ પ્રવચનકાર, પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજા; અધ્યાત્મસમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજા; મધુર પ્રવચનકાર પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજયહર્ષશીલસૂરીશ્વરજી મહારાજા; કવિહૃદય પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજયમોક્ષરતિસૂરીશ્વરજી મહારાજા; પ્રવચનકાર પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય હિતરત્નસૂરીશ્વરજી મહારાજા; પદસ્થ ભગવંતો; મુનિવરો અને શ્રમણીગણ આદિ ૩૦૦થી અધિક સંખ્યામાં પધારીને આ મહાયાત્રામાં નિશ્રા પ્રદાન કરશે.
કેવી હશે મહારથયાત્રા
જૈનબંધુઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને શાસનનો જયજયકાર કરશે. પાંચ ઇન્દ્રધ્વજાઓ, ૪૫થી અધિક સંઘોની બગીઓ, ૩૫થી અધિક દીક્ષાર્થીઓ, શ્રી નેમિનાથ પરમાત્મા, શ્રીપાલ-મયના, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ-કોંઢવા પુણે, આદિ રચનાઓ, ૧૫+ બૅન્ડ, પુણેરી ઢોલ વગેરે વાદ્યવૃન્દો, અનેક જાતની દુર્લભ મંડળીઓ, ૧૦૦+ સુવાક્યો લહેરાવતા યુવાનો, ૫૦૦+ પાઠશાળાનાં બાળકો, ૭ પરમાત્માના રથો વગેરે અનેકવિધ વિશેષતાઓથી રળિયામણી બનનારી આ રથયાત્રાને સાચા અર્થમાં મહારથયાત્રાનો દરજ્જો આપનારી સૌથી મોટી વિશેષતા એ હશે કે આ સમગ્ર રથયાત્રા જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો-આદર્શોને આંખ સામે રાખીને એના પૂર્ણત: પાલન સાથે નીકળશે. આ વખતના વિશેષ આકર્ષણ તરીકે ૨૪ ભગવાનની પાલખીઓ નવયુવાનો પૂજાના વસ્ત્રમાં સજ્જ બની પોતાના ખભે લઈને ચાલશે.

