Torres Scam: ટોરેસ જ્વેલરી પોન્ઝી સ્કૅમમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, માત્ર ગ્રાહકો જ નહીં, પરંતુ કંપનીના 43 કર્મચારીઓ પણ આ ઠગીનો શિકાર બન્યા છે. તેમણે ટોરેસ જ્વેલરીની વિવિધ સ્કીમોમાં રોકાણ કર્યું
ફાઈલ તસવીર
ટોરેસ જ્વેલરી પોન્ઝી સ્કૅમમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, માત્ર ગ્રાહકો જ નહીં, પરંતુ કંપનીના 43 કર્મચારીઓ પણ આ ઠગીનો શિકાર બન્યા છે. તેમણે ટોરેસ જ્વેલરીની વિવિધ સ્કીમોમાં રોકાણ કર્યું, જેના પરિણામે રૂપિયા 3.23 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું.
આકર્ષક ગિફ્ટ અને મોટા વાયદાઓ આપીને લોકોને ફસાવવામાં આવ્યા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ટોરેસ જ્વેલરી કંપનીએ લોકોને લલચાવવા માટે વિશેષ સેમિનારોનું આયોજન કર્યું હતું. આ સેમિનારોમાં એવું કહવાતું હતું કે કંપની ટૂંક સમયમાં દેશભરમાં 50 શૉરૂમ ખોલવાની યોજના બનાવી રહી છે. તેમ જ રોકાણકરોને મોંઘા ઇલેક્ટ્રૉનિક ગેજેટ્સ, કાર અને અન્ય મોંઘી ગિફ્ટ આપવાનું વચન આપવામાં આવતું હતું. પોલીસે ગયા અઠવાડિયે ટોરેસ ફ્રૉડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં જણાવાયું છે કે આ સ્કૅમમાં હજારો રોકાણકારો સાથે કંપનીના કર્મચારીઓ પણ શિકાર બન્યા છે.
ADVERTISEMENT
મોંઘા ગેજેટ્સ પણ ટોરેસ જ્વેલરી શૉરૂમમાં પહોંચ્યા
ચાર્જશીટ અનુસાર, જુલાઈ 2024થી ઑક્ટોબર 2024 દરમિયાન દાદર સ્થિત એક દુકાનદાર દ્વારા ટોરેસ જ્વેલરીના દાદર શૉરૂમમાં 209 iPhones, 52 iPads, 3 MacBooks, 9 OnePlus ફોન અને 1 અડેપ્ટર પહોંચાડવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત ₹2.19 કરોડ હતી. બીજા વેપારીએ પણ જણાવ્યું કે ઑક્ટોબર 2024થી જાન્યુઆરી 2025 દરમિયાન, તેમણે દાદર શૉરૂમ માટે ₹2.93 કરોડના ઇલેક્ટ્રૉનિક ગેજેટ્સ સપ્લાય કર્યા હતા. આ ગેજેટ્સ રોકાણકર્તાઓને ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા, જેથી વધુ લોકો કંપનીમાં રોકાણ કરે.
કર્મચારીઓ પણ ફસાયા, ટોરેસ કંપનીએ આપેલા વચનો ખોટા નીવડ્યા
ટોરેસના અધિકારીઓએ કંપનીના કર્મચારીઓના વિશ્વાસનો પણ ગેરફાયદો ઉઠાવ્યો. કર્મચારીઓએ પણ કંપની પર વિશ્વાસ કરીને કંપનીમાં મોટી રકમ રોકી હતી. કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ તેમને વિશ્વાસ આપ્યો કે ટોરેસ એક મોટી કંપની છે અને રોકાણ કરવાથી તેમના પૈસા ઝડપથી બમણાં થઈ જશે.
ટોરેસ જ્વેલરી કૌભાંડના કેસમાં મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ ૨૭,૧૪૭ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. ચાર્જશીટમાં આઠ જણને આરોપી બનાવવામાં આવ્યા છે અને ૧૪,૦૦૦ રોકાણકારો સાથે ૧૪૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું લખવામાં આવ્યું હતું. ટોરેસ બ્રૅન્ડની કંપની મેસર્સ પ્લૅટિનિયમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ, ટૅઝગુલ ઉર્ફે તાન્યા, વૅલેન્ટિના ગણેશકુમાર, સર્વેશ સુર્વે, અલ્પેશ ખરા, તૌસિફ રિયાઝ, અર્મેન ઍટિયન અને લલ્લન સિંહ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પૉન્ઝી સ્કીમમાં ઇન્વેસ્ટરોને લોભામણું રિટર્ન આપવાનું પ્રૉમિસ કરીને છેતરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ સામે મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (MPID) ઍક્ટ અને બૅનિંગ ઑફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ (BUDS) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

