બન્ને વાહનોને ભારે નુકસાન, કારચાલક ગંભીર જખમી
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર થયેલા અકસ્માતમાં અંકિતની કાર ઊંધી વળી ગઈ હતી.
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) પર ગઈ કાલે વિક્રોલીમાં સવારે સાત વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત થયો હતો. થાણેથી મુંબઈની દિશામાં જતો એક ટેમ્પો એક કાર સાથે અથડાયો હતો જેમાં કાર ઊંધી વળી જવાથી ભિવંડીમાં રહેતો ૨૮ વર્ષનો કારચાલક અંકિત દુબે ગંભીર રીતે જખમી થયો હતો. આ અકસ્માતમાં બન્ને વાહનોને ભારે નુકસાન થયું હોવાની માહિતી પોલીસે આપી હતી. આ મામલે વિક્રોલી પોલીસે ટેમ્પોચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વિક્રોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત નાયકવાડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે વહેલી સવારે થાણેથી મુંબઈની દિશામાં પ્રવાસ કરતો એક ટેમ્પો સાઇડમાં જતી કાર સાથે અથડાયો હતો જેમાં કારચાલક અંકિતે કાર પરનો કન્ટ્રોલ ગુમાવતાં તેણે તાત્કાલિક બ્રેક મારી હતી. એને કારણે કાર ઊંધી વળી જવાથી ટ્રૅફિક-જૅમ થઈ ગયો હતો. આ કેસમાં અમે ટેમ્પોચાલક સામે ફરિયાદ નોંધી છે.’

