મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાનની હૈયાધારણ
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાક દિવસથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં ૫૩ સહિત રાજ્યમાં કોવિડના ૫૬ દરદી અત્યાર સુધી નોંધાયા છે અને તેમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો ફફડી ઊઠ્યા છે. પાંચ વર્ષ પહેલાંની કોરોના મહામારી જેવી સ્થિતિ તો નહીં થાયને એવો સવાલ સૌને થઈ રહ્યો છે ત્યારે આ વિશે રાજ્યના આરોગ્યપ્રધાન પ્રકાશ આબિટકરે મીડિયાને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘કોરોનાવાઇરસ ફરી માથું ઊંચકી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોવિડ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે આપણે ગભરાવાની જરાય જરૂર નથી. આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે એટલે બિલકુલ ડરવું નહીં. કોવિડ બાબતે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરતા. અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મૅપિંગ ચાલી રહ્યું છે. આપણે તમામ પ્રકારની સારવાર કરવા માટે સક્ષમ છીએ. KEM હૉસ્પિટલમાં બે દરદીએ કોરોનાને લીધે નહીં પણ બીજી જીવલેણ બીમારીમાં જીવ ગુમાવ્યા છે. સરકાર આ બાબતે અલર્ટ છે.’
કોરોનાના નવા વેરિઅન્ટનાં લક્ષણો શું છે?
ADVERTISEMENT
સિંગાપોરમાં કોરોનાના દરદીઓમાં LF.7 અને NB.1 પ્રકારના વેરિઅન્ટ જોવા મળ્યા છે. આ વેરિઅન્ટ JN.1 સ્ટ્રેન સાથે સંબંધિત છે. આ વાઇરસના સંપર્કમાં આવનારા લોકોને નાકમાંથી પાણી નીકળે છે, તાવ આવે છે, ગળું સુકાય છે, ઉધરસ આવે છે અને માથામાં દુખાવો થાય છે. કેટલાક દરદીઓને થાક લાગે છે.

