ગઈ કાલે બોરીવલીમાં આવું જ થયું :ઉતાવળે બીજી જગ્યાએ શિફ્ટ થવું પડ્યું
BMCએ ગઈ કાલે સવારે ડિમોલિશનની કાર્યવાહી ચાલુ કરી હતી.
માટુંગામાં રહેતા યશ વોરાનાં લગ્ન કાંદિવલીની ચાર્મી શાહ સાથે નિર્ધાર્યાં હતાં. આખા દિવસનો કાર્યક્રમ હોવાથી ગઈ કાલે સવારે વરવધૂના પરિવાર, જાનૈયાઓ વહેલી સવારે જ બોરીવલી-વેસ્ટના લિન્ક રોડ પર આવેલા કે. ડિવાઇન લૉન્સ ઍન્ડ કન્વેન્શન સેન્ટર પર પહોંચી ગયા હતા. તેમણે સવારે ૮ વાગ્યે હજી માંડ બ્રેકફાસ્ટ કર્યો હતો એટલામાં તો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને આખો ડોમ જ તોડી નાખવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. આ જોઈને ચોંકી ઊઠેલા અને ઓચિંતી આવી પડેલી આપત્તિમાં સપડાયેલા પરિવારે તરત જ શુક્રવારે રાતે જ્યાં સંગીતસંધ્યા યોજી હતી એ વિટી ઇન્ટરનૅશનલ સ્કૂલ-બોરીવલીમાં નીચે આવેલા લેગસી બૅન્ક્વેટનો સંપર્ક કર્યો હતો. તેમણે હા પાડતાં જ આખી મૅરેજ-પાર્ટી વિટીના હૉલ પર પહોંચી હતી અને ત્યાં રંગેચંગે લગ્ન પતાવ્યાં હતાં. આટલા શૉર્ટ પિરિયડમાં પણ એ હૉલવાળાએ તેમને બધી જ સગવડ કરી આપી અને મહેમાનોને, જમણવાર વગેરે બધું જ સાચવી લીધું. આમ ભારે ટેન્શન બાદ પ્રસંગ સચવાઈ ગયો હતો. સાંજે ૪.૩૦ વાગ્યે કન્યાવિદાયનો પ્રસંગ પણ પતી ગયો હતો.
ADVERTISEMENT
કે ડિવાઇનનું શું કહેવું છે?
ચાલુ પ્રસંગે આ કાર્યવાહી કેમ થઈ? શું વેન્યુવાળાઓને એની જાણ નહોતી? કે જાણ હોવા છતાં તેમણે પાર્ટીને જણાવ્યું નહીં? જેમને ત્યાં લગ્ન હતાં તેઓ કેવી કફોડી પરિસ્થિતિમાં મુકાયા? શું તેમને કોઈ મદદ કરવામાં આવી? આ અને આવા બીજા સવાલો સાથે જ્યારે ‘મિડ-ડે’એ કે. ડિવાઇનના પાર્ટનર જિજ્ઞેશ ભુતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કશું ખોટું કર્યું નથી. એ જે જગ્યા છે એ પ્રાઇવેટ લૅન્ડ છે, મૅન્ગ્રોવ્ઝમાં આવતી નથી. અમે BMCમાંથી ખાસ પરમિશન લીધી હતી અને એ પછી ડોમ બનાવ્યો હતો. ત્યાર બાદ BMCએ પરમિશન રોકીને અમને પૈસા ભરવા કહ્યું એટલે અમે પચાસ લાખ રૂપિયા પણ ભર્યા. એ પછી ફરી પરવાનગી આપવામાં આવી. BMCનું કહેવું છે કે તેમણે મંડપ માટે, ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે પરવાનગી આપી હતી, જ્યારે તમે RCC (રીઇન્ફોર્સ્ડ સીમેન્ટ કૉન્ક્રીટ)નું કામ કર્યું છે. અમારે જ્યારે ઊંચું સ્ટ્રક્ચર, મંડપ-ડોમ ઊભો કરવાનો હોય તો ફાઉન્ડેશન તો મજબૂત જોઈએ, નહીં તો એ જોખમી બની જાય. એટલે અમે ફક્ત ફાઉન્ડેશનમાં જ RCCનો ઉપયોગ કર્યો હતો. એ પછી સેશન્સ કોર્ટમાં અમારો કેસ ચાલ્યો હતો. જોકે અમે કોઈ નિયમનો ભંગ ન કર્યો હોવાથી સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈ કોર્ટમાં પડકારવાના હતા એ પહેલાં જ BMCએ ગઈ કાલે સવારે આ કાર્યવાહી કરી હતી. અમે હાઈ કોર્ટમાં જઈને પરવાનગી મેળવીશું અને ફરી આ જ જગ્યાએ ડોમ ઊભો કરીશું. હાલ અમને ૬.૫થી ૭ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. એમ છતાં અમે ફર્મ છીએ કે અહીં જ ફરી ડોમ ઊભો કરીશું. અમે ઑલરેડી નવેમ્બર-ડિસેમ્બરનાં લગ્નનાં બુકિંગ લીધાં છે. તેમણે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એક બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે ડેસ્ટિનેશન વેડિંગ માટે પરદેશ ન જાઓ અને અહીં જ લગ્ન કરો જેથી અહીંના લોકોને રોજગાર મળે ત્યારે BMCનું આ વલણ ખેરખર ચોંકાવનારું છે.’
લગ્નનું ઓચિંતું વેન્યુ બદલ્યા બાદ આખરે રંગેચંગે લગ્ન પતાવ્યા બાદ સાંજે વિદાય પછી હૉલના દરવાજે જ વાતોએ વળગેલા પરિવારજનો.
BMCના આર-નૉર્થનાં વૉર્ડ-ઑફિસર સંધ્યા નાંદેડકરે તેમની ટીમ સાથે જાતે પહોંચી ડિમોલિશનની કાર્યવાહી કરાવી હતી.
BMCનું શું કહેવું છે?
આ ડિમોલિશન કાર્યવાહી બદલ માહિતી આપતાં BMCના આર-સેન્ટ્રલ વૉર્ડનાં વૉર્ડ-ઑફિસર સંધ્યા નાંદેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમણે અમે આપેલી પરવાનગીનો મિસયુઝ કર્યો હતો. અમે તેમને મંડપ બાંધવાની પરવાનગી આપી હતી, તેમણે પાકો કૉન્ક્રીટનો બેઝ બનાવી એના પર મોટા ગર્ડર ગોઠવીને કામ કર્યું હતું. એથી અમે પહેલાં તેમને જાન્યુઆરી મહિનામાં નોટિસ આપી હતી અને કહ્યું પણ હતું કે તમે જે ગેરકાયદે કામ કર્યું છે એ બદલી નાખો. વળી પરવાનગી ૧ માર્ચ સુધીની હતી. જોકે એ પછી સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટે BMCના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. સામેવાળાએ સ્ટે માગ્યો પણ કોર્ટે તેમને સ્ટે પણ નહોતો આપ્યો એટલે તેઓ હાઈ કોર્ટમાં જાય એ પહેલાં અમે આ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી.’

