બૉક્સ મૂકવા પાછળ ટ્રેન ડીરેલ કરવાનો કે નુકસાન પહોંચાડવાનો ઇરાદો હતો કે પછી ફક્ત મજાક કરવા ખાતર બૉક્સ મુકાયાં હતાં એની તપાસ વસઈ પોલીસ કરી રહી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વેસ્ટર્ન રેલવેની ટ્રૅક ઇન્સ્પેક્શન ટીમને બુધવારે રાતે ૯ વાગ્યે મીરા રોડ અને ભાઈંદર વચ્ચે ચર્ચગેટ તરફ જતી ફાસ્ટ ટ્રેનના ટ્રૅક પર લાકડાનાં બે બૉક્સ મળ્યાં હતાં. આમ કરી ટ્રેનને ડીરેલ કરવાનો નુકસાન પહોંચાડવાનો ઇરાદો હતો કે પછી ફક્ત મજાક કરવા ખાતર આમ કરવામાં આવ્યું હતું એની તપાસ ચાલી રહી છે.
મીરા રોડના સ્ટેશન-માસ્ટરે આ બાબતે વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં ફરિયાદ નોંધાવી હતી. મીરા રોડ સ્ટેશન-માસ્ટરનું કહેવું હતું કે ‘એ બે લાકડાનાં બૉક્સ હતાં. એમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી. બૉક્સ ટ્રૅક પર જ મૂકવામાં આવ્યાં હોવાથી એ ગંભીર બાબત હોવાનું જણાયું હતું એટલે પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બૉક્સ મૂકવા પાછળ ટ્રેન ડીરેલ કરવાનો કે નુકસાન પહોંચાડવાનો ઇરાદો હતો કે પછી ફક્ત મજાક કરવા ખાતર બૉક્સ મુકાયાં હતાં એની તપાસ વસઈ પોલીસ કરી રહી છે.’

