૧૬ ભૂતપૂર્વ ન્યાયાધીશો, ૧૩૩ ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ અને ૧૨૩ ભૂતપૂર્વ અમલદારો વરસી પડ્યા રાહુલ ગાંધી પર, ઓપન લેટર લખીને આક્ષેપ કર્યો કે...
રાહુલ ગાંધી
કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વોટચોરીના મુદ્દે સરકારને ઘેરવા માટે ચૂંટણીપંચ પર સતત આરોપો લગાવી રહ્યા છે એવા સમયે ગઈ કાલે દેશભરના ૨૭૨ નિવૃત્ત ન્યાયાધીશો અને અમલદારોએ કથિત મતચોરીનો આરોપ મૂકવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરતો ઓપન લેટર જાહેર કર્યો હતો. આ પત્રમાં ૧૬ ભૂતપૂર્વ ન્યાયાધીશો, ૧૪ ભૂતપૂર્વ રાજદૂતો સહિતના ૧૨૩ નિવૃત્ત અમલદારો અને ૧૩૩ નિવૃત્ત લશ્કરી અધિકારીઓના હસ્તાક્ષર છે.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ આદર્શકુમાર ગુપ્તા અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હેમંત ગુપ્તા ૧૬ ભૂતપૂર્વ ન્યાયાધીશોમાં સામેલ છે. દેશની ગુપ્તચર એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (RAW)ના ભૂતપૂર્વ વડા સંજીવ ત્રિપાઠી અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના ભૂતપૂર્વ ડિરેક્ટર યોગેશ ચંદ્ર મોદી અન્ય ૧૨૩ નિવૃત્ત અમલદારો અને ૧૩૩ નિવૃત્ત લશ્કરી અધિકારીઓમાં સામેલ છે.
ADVERTISEMENT
આ નિવૃત્ત ન્યાયાધીશો અને અમલદારોએ ખુલ્લા પત્રમાં આરોપ લગાવ્યો છે કે ‘કૉન્ગ્રેસ સતત ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. આનાથી દેશની લોકશાહી-વ્યવસ્થામાં બિનજરૂરી અવિશ્વાસ ફેલાય છે.’
પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘ચૂંટણીપંચ ભારતની ચૂંટણી-પ્રણાલીનો સૌથી મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. એના વિશે વારંવાર પ્રશ્નો ઉઠાવવાથી જનતાનો વિશ્વાસ નબળો પડે છે અને લોકશાહીને નુકસાન થાય છે. રાજકીય મતભેદો જરૂરી છે, પરંતુ બંધારણીય સંસ્થાઓ પર સતત આરોપ લગાવવો એ રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે.’
રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં ત્રણ પ્રેસ-કૉન્ફરન્સ યોજીને ચૂંટણીપંચ પર મતચોરીનો આરોપ લગાવ્યો છે. તેમણે ચૂંટણીપંચને મોદી સરકારની ‘બી ટીમ’ પણ ગણાવી હતી અને એના પર BJP સાથે સાઠગાંઠનો આરોપ લગાવ્યો હતો.
પત્રના પાંચ મુખ્ય મુદ્દા
- પહેલાં આર્મી, પછી ન્યાયતંત્ર અને સંસદ પર સવાલ ઉઠાવવામાં આવ્યા અને હવે ચૂંટણીપંચને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ એક ખતરનાક વલણ બની ગયું છે જેમાં ચૂંટણીમાં હાર છુપાવવા માટે બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા પર હુમલો કરવામાં આવી રહ્યો છે.
- રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ પર મતચોરીનો આરોપ લગાવ્યો, એને ગદ્દાર પણ ગણાવ્યું અને અધિકારીઓને ધમકી આપી. આમ છતાં તેમણે કોઈ સત્તાવાર ફરિયાદ કે ઍફિડેવિટ રજૂ કર્યું નથી. આ ફક્ત રાજકીય રોષ છે જેનો કોઈ નક્કર આધાર નથી.
- જ્યારે વિપક્ષો ચૂંટણીમાં વિજય મેળવે છે ત્યારે ચૂંટણીપંચ પર કોઈ આરોપ લગાવવામાં આવતો નથી, પરંતુ જેમ-જેમ તેઓ હારે છે તેમ-તેમ દોષ ચૂંટણીપંચ પર નાખવાનું શરૂ થાય છે. આ રાજકીય તકવાદ છે.
- ટી. એન. શેષન અને એન. ગોપાલસ્વામી જેવા ભૂતપૂર્વ મુખ્ય
ચૂંટણી-કમિશનરોએ કમિશનને એક મજબૂત અને નિષ્પક્ષ સંસ્થા બનાવી છે તેથી આજે એના પર પાયાવિહોણા હુમલાઓ લોકશાહી માટે હાનિકારક છે. - બધા ભારતીયોએ ચૂંટણીપંચ અને અન્ય બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ રાખવો જોઈએ. દેશની સુરક્ષા અને લોકશાહી બન્ને માટે નકલી મતદારો, બિનનાગરિકો અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને મતદારયાદીમાંથી બહાર રાખવા જરૂરી છે.


