રાજસ્થાનનાં નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારી પણ લોકસંસ્કૃતિના રંગે રંગાયાં
ઘૂમર મહોત્સવ
રાજસ્થાનનાં નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારીની પહેલથી પહેલી વાર રાજ્યના સાત સંભાગોમાં એકસાથે રાજ્યસ્તરે ઘૂમર મહોત્સવનું આયોજન થયું હતું. એમાં રાજ્યની ૬૧૦૦ મહિલાઓએ એકસાથે ઘૂમર કરીને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ નોંધાવ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારીએ પણ જયપુરમાં નગારું વગાડીને કાર્યક્રમની શરૂઆત કરી હતી અને પછી મહિલાઓ સાથે ઘૂમર ડાન્સ કર્યો હતો.
જયપુરમાં વિદ્યાધરનગર સ્ટેડિયમમાં થયેલા મુખ્ય સમારોહમાં ૧૫૦૦ મહિલાઓએ સાથે ઘૂમર કર્યું હતું અને એમાં દિયા કુમારી અને સંસદસભ્ય મંજુ શર્માએ સાથે ઘૂમર નૃત્ય કર્યું હતું. દિયા કુમારીએ કહ્યું હતું કે ‘રાજસ્થાનની લોકસંસ્કૃતિ, લોકકલાઓ અને સમૃદ્ધ વિરાસત નવી પેઢી સુધી પહોંચાડવી બહુ જરૂરી છે. રાજસ્થાનની ઓળખ બની ચૂકેલા ઘૂમર નૃત્યને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા માટે આ પ્રકારનાં ભવ્ય આયોજનો દર વર્ષે કરવામાં આવશે.’


