ઘાટકોપરની એક આૅફિસમાં બેસી અનેક બોગસ કંપનીઓના નામે બિલો બનાવીને આચરવામાં આવતી હતી ગેરરીતિ, આખા નેટવર્કનો ખુલાસો
પ્રતીકાત્મક તસવીર
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં ગોલમાલ કરીને સરકારના પૈસા લૂંટવાનો એક કિસ્સો સામે આવ્યો છે. ડિરેક્ટર જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI)એ ૧૬૬.૩૭ કરોડ રૂપિયાની ફેક ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (ITC)ના રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રૅકેટ ૪૦ બોગસ કંપનીઓના માધ્યમથી ઘાટકોપરની એક ઑફિસમાંથી ચલાવવામાં આવતું હતું.
અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઘાટકોપર-વેસ્ટમાં આવેલી આ ઑફિસને જોઈને એવું લાગે કે એ કોઈ સામાન્ય કમર્શિયલ કંપની છે, પણ એ જગ્યા એક એવું કેન્દ્ર હતું જેનો ઉપયોગ કરીને માત્ર કાગળ પર એક મોટી સપ્લાય-ચેઇન ચલાવવામાં આવી રહી હતી. આ સપ્લાય-ચેઇનમાં ‘માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી’ ચીજવસ્તુઓના નામે અનેક બોગસ કંપનીઓમાં કરોડો રૂપિયાની ટૅક્સ-ક્રેડિટ વહેંચી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
DGGIના મુંબઈ ઝોનલ યુનિટે ૧૮ નવેમ્બરે દરોડો પાડીને આ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો અને બનાવટી ટ્રાન્ઝૅક્શન્સ દેખાડવા માટે વપરાતા કંપનીઓના સિક્કા, બૅન્કની પાસબુકો, ચેકબુકો, ડેબિટ કાર્ડ્સ, અનેક મોબાઇલ ફોન્સ તથા સિમકાર્ડ્સ, લૅપટૉપ, કમ્પ્યુટરો અને બીજાં અનેક ડિવાઇસિસ સહિતની સામગ્રી કબજે કરી હતી. DGGIએ ૩૦ વર્ષના રાજેન્દ્ર મૌર્ય નામના એક આરોપીની ધરપકડ પણ કરી હતી. આરોપીએ તે પોતે ક્લાયન્ટ્સના ઇશારે અહીંથી બોગસ રૅકેટ ચલાવતો હોવાની કબૂલાત કરી હતી.
ટૅક્સ-ક્રેડિટનું બોગસ કંપનીઓમાં રોટેશન
અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરોપીએ ઘાટકોપરની આ એક ઑફિસ પરથી અનેક GST રજિસ્ટ્રેશન્સ બનાવ્યાં હતાં અને બોગસ ખરીદી દેખાડવા માટે ખોટાં બિલો તથા ઈ-બિલ્સ અને ઈ-ઇનવૉઇસિસ પણ ઇશ્યુ કર્યાં હતાં. એના આધારે ગેરકાયદે ITCને આ શેલ કંપનીઓમાં રોટેટ કરતો હતો, જેનાથી એવું લાગે કે આ આખો આર્થિક વ્યવહાર કાયદેસર રીતે યોગ્ય છે.’
આ રૅકેટમાં વપરાયેલા ઘણાં બધાં રજિસ્ટ્રેશન્સ બોગસ હોવાને કારણે થોડા સમય પછી કૅન્સલ કરી દેવામાં આવ્યાં હતાં. આ રૅકેટ ચલાવવા માટે બોગસ કંપનીઓને A, B, C, D એવાં ૪ લેયરમાં બનાવવામાં આવી હતી, જેને લીધે ITCને ટ્રેસ કરવું મુશ્કેલ બની જતું હતું.
આખા રૅકેટના તાર આ એક આૅફિસમાં
DGGIના અધિકારીઓએ કહ્યું હતું કે ‘ઘાટકોપરની આ ઑફિસ સેન્ટ્રલ ઑપરેશન્સ ડેસ્ક તરીકે કામ કરતી હતી, જ્યાં તમામ રજિસ્ટ્રેશન્સ, ફાઇલિંગ્સ, ડિટિજલ કમ્યુનિકેશન્સ એકસાથે ભેગાં થતાં હતાં. આખા રૅકેટના તમામ લેયરના તાર અહીં મળતા હતા. આ રૅકેટ માટે ખૂબ વિચારપૂર્વકની પૅટર્ન ડિઝાઇન કરવામાં આવી હતી, જે જોઈને લાગે કે એ ખરેખર કોઈ યોગ્ય કાયદેસર થતો બિઝનેસ છે.’
DGGI આ કેસમાં હજી ઊંડી તપાસ કરી રહી છે, જેનાથી આ રૅકેટ હજી વધુ ફેલાયેલું હોય તો એનો ભેદ ઉકેલી શકાય. ગેરકાયદે ITC મેળવનારા ક્લાયટ્ન્સ હવે રડાર પર છે અને વધુ વ્યક્તિઓની ધરપકડની શક્યતા છે.
શું છે ITC?
ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (ITC) એ GSTમાં એવી વ્યવસ્થા છે જે મોટા વેપારીઓ અને બિઝનેસિસને ખરીદી અને વેચાણ બન્ને જગ્યાએ ટૅક્સ ભરવાના બમણા ભારથી બચાવે છે. વેપારીએ ખરીદેલા માલ પર ચૂકવેલા ટૅક્સ અને વેચેલા માલ પર વસૂલેલા ટૅક્સ વચ્ચે જે તફાવત રહે છે એને ITC દ્વારા સેટલ કરવામાં આવે છે.


