નૉર્થ ૨૪ પરગણા જિલ્લાના બશીરહાટ નારાયણપુરના રહેવાસી ઝિયાદ અલી દફાદારે આ કાવતરાનો પર્દાફાશ કર્યો છે
ઝિયાદ અલી દફાદાર.
પશ્ચિમ બંગાળમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં અનેક છેતરપિંડીનો પર્દાફાશ થઈ રહ્યો છે. બશીરહાટના નારાયણપુરમાં એક બંગલાદેશી નાગરિક મહાબુરે પોતાના પાડોશી ઝિયાદ અલી દફાદારને પિતા ગણાવીને માત્ર મતદાર ઓળખપત્ર જ નહીં પરંતુ આધાર કાર્ડ પણ મેળવ્યું હતું અને એના પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર પણ મેળવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
નૉર્થ ૨૪ પરગણા જિલ્લાના બશીરહાટ નારાયણપુરના રહેવાસી ઝિયાદ અલી દફાદારે આ કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ઝિયાદ અલીએ જણાવ્યું હતું કે ‘મારો પાડોશી મહાબુર દફ્તર બંગલાદેશી રહેવાસી છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં બંગલાદેશથી આવ્યો હતો અને તેના પરિવાર સાથે અહીં સ્થાયી થયો હતો.’
ADVERTISEMENT
૩૫ વર્ષનો મહાબુર બંગલાદેશના ડુમુરિયા જિલ્લાનો વતની છે. તે થોડાં વર્ષો પહેલાં સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી ગયો હતો. તેણે ભારતીય ઝિયાદ અલી દફાદારનું કાર્ડ વાપરીને નકલી દસ્તાવેજો તૈયાર કરાવ્યા છે. મહાબુરે ઝિયાદ અલીને પિતા ગણાવીને મતદાર ઓળખ કાર્ડ અને આધાર કાર્ડ કેવી રીતે બનાવ્યું એ વિશે ઝિયાદ અલી કહ્યું હતું કે ‘મહાબુર અને હું સાથે કામ કરીએ છીએ. એક વર્ષ પહેલા મેં તેને બૅન્કમાંથી પૈસા ઉપાડવા માટે મારું આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો આપ્યાં હતાં. આ દસ્તાવેજોના આધારે તેણે પોતાનું નકલી આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ બનાવી લીધું હતું. જ્યારે મેં મતદાન કર્યું ત્યારે મને ખબર પડી કે મહાબુર મારો પુત્ર બની ગયો છે.’
૬૩ વર્ષના ઝિયાદને મહાબુરની કરતૂતની જાણ થઈ ત્યારે તે ચોંકી ગયો હતો. તેણે ૨૦૨૨ અને ૨૦૨૪માં સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં બે વાર લેખિત ફરિયાદ નોંધાવી હતી. ઝિયાદ અલીએ કહ્યું હતું કે‘ મહાબુર બંગલાદેશી નાગરિક છે. તે મારા પરિવારનો નથી. તેણે આ દેશની મતદારયાદીમાં પોતાનું નામ મેળવવા માટે મારા ઓળખપત્રનો ઉપયોગ કર્યો છે. મેં પોલીસ-સ્ટેશન, જિલ્લા મૅજિસ્ટ્રેટ અને દરેક જગ્યાએ ફરિયાદ કરી છે, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નથી. હું ઇચ્છું છું કે તેને બંગલાદેશ પાછો મોકલવામાં આવે. તે કટ્ટરપંથી બની શકે છે. મને હંમેશાં ડર રહે છે.’
તૃણમૂલ કૉન્ગ્રેસ પર આરોપ
આ મુદ્દે BJPના બશીરહાટ સંગઠન જિલ્લા પ્રમુખ સુકલ્યાણ વૈદ્યએ કહ્યું હતું કે ‘તૃણમૂલ કૉન્ગ્રેસની મદદથી આ બંગલાદેશી નાગરિક બધી સરકારી સુવિધાઓનો લાભ લઈ રહ્યો છે. તેને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર પણ મળ્યું છે.’


