ડ્રમમાંથી તીવ્ર વાસ આવતી હોવાની સ્થાનિક લોકોની ફરિયાદ બાદ પોલીસ-તપાસ કરી ત્યારે આ ખુલાસો થયો હતો.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના મેરઠના સૌરભ રાજપૂત હત્યાકાંડની યાદ તાજી થઈ : લુધિયાણામાં બ્લુ ડ્રમમાં હાથ-પગ બાંધેલી અવસ્થામાં મૃતદેહ મળ્યો : નવા ડ્રમમાં મૃતદેહ મળતાં પોલીસે ડ્રમ બનાવતી ૪૨ કંપનીઓમાં પૂછપરછ શરૂ કરી
પંજાબના લુધિયાણાના શેરપુર વિસ્તારમાં પ્લાસ્ટિકના બ્લુ ડ્રમમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં સનસનાટી ફેલાઈ હતી. મૃતદેહના હાથ અને પગ દોરડાથી બાંધેલા હતા, જેના કારણે પોલીસને શંકા છે કે હત્યા કર્યા બાદ આ વ્યક્તિને ડ્રમમાં પૂરીને ફેંકી દેવામાં આવી હોવી જોઈએ. ડ્રમમાંથી તીવ્ર વાસ આવતી હોવાની સ્થાનિક લોકોની ફરિયાદ બાદ પોલીસ-તપાસ કરી ત્યારે આ ખુલાસો થયો હતો.
ADVERTISEMENT
મૃતદેહને પ્લાસ્ટિકની કોથળીમાં લપેટીને ડ્રમમાં મૂકવામાં આવ્યો હતો. ડ્રમ ખાલી પ્લૉટમાં પડેલું હતું અને એની સ્થિતિ સૂચવે છે કે એ ઘણા દિવસોથી ત્યાં હતું. મૃતદેહની હજી સુધી ઓળખ થઈ નથી અને વ્યક્તિના ચહેરાના હાવભાવના આધારે સંભવ છે કે તે અન્ય પ્રદેશનો હોઈ શકે છે.
CCTV ફુટેજ શોધવામાં આવ્યાં
પોલીસ-તપાસમાં ખુલાસો થયો છે કે ડ્રમ નવુંનક્કોર હતું, જે દર્શાવે છે કે હત્યાની યોજના ઘડી કાઢવામાં આવી હશે. પોલીસે ડ્રમના સ્ત્રોત શોધવા માટે લુધિયાણામાં ડ્રમ બનાવતી ૪૨ કંપનીઓની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત ડ્રમ ક્યારે અને કેવી રીતે લાવવામાં આવ્યું એ જાણવા માટે આસપાસના વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ સ્કૅન કરવામાં આવી રહ્યાં છે.
મેરઠમાં આવી ઘટના બની હતી
આ ઘટનાએ માર્ચ મહિનામાં મેરઠમાં બનેલા બ્લુ ડ્રમ હત્યા-કેસની યાદ તાજી કરાવી હતી. મેરઠમાં સૌરભ રાજપૂતનો મૃતદેહ બ્લુ ડ્રમમાંથી મળી આવ્યો હતો. તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ તેની હત્યા કરી હતી. પોલીસે બન્નેની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધાં હતાં.

