રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે અમારે રસ્તા પર ઊતરીને FIR નોંધાવવો પડ્યો, કોર્ટના નિર્ણયને પડકારીશું
બ્રિજભૂષણ શરણ સિંહ
૬ મહિલા બૉક્સરો દ્વારા નોંધાવવામાં આવેલી જાતીય સતામણીની ફરિયાદના કેસમાં દિલ્હીની રાઉઝ અૅવન્યુ કોર્ટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા, ભૂતપૂર્વ સંસદસભ્ય અને રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને મોટી રાહત આપીને નિર્દોષ જાહેર કર્યા છે. ટ્રાયલ શરૂ થયાનાં બે વર્ષ બાદ કોર્ટે પુરાવાના અભાવે બ્રિજભૂષણ શરણ સિંહ અને WFIના ભૂતપૂર્વ સહાયક સચિવ વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે.
અૅડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ અશ્વિની પનવારે આ કેસમાં ચુકાદો આપ્યો હતો. અપેક્ષા મુજબ બ્રિજભૂષણ વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનારી મહિલા બૉક્સર વિનેશ ફોગાટ આ ચુકાદાથી નાખુશ છે અને તેણે એને પડકારવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
આ કેસ ૨૦૨૩માં મહિલા બૉક્સરોના આરોપો અને જંતર મંતર પર લાંબા વિરોધ-પ્રદર્શન બાદ પ્રકાશમાં આવ્યો હતો. ટ્રાયલ ઇન-કૅમેરા કરવામાં આવી હતી અને મીડિયાને કોર્ટરૂમમાં પ્રવેશવાની મંજૂરી નહોતી.
કોર્ટના નિર્ણય બાદ કોર્ટની બહાર પત્રકારો સાથે વાત કરતાં બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે મને માનપૂર્વક નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે ‘મેં પહેલા દિવસે જ કહ્યું હતું કે જો આરોપો સાબિત થશે તો હું આત્મહત્યા કરી લઈશ. હવે હું ચુકાદાથી ખુશ છું અને મારા વકીલોનો આભારી છું. જોકે વિગતવાર આદેશ જોયા પછી જ વધુ કમેન્ટ કરીશ.’
આ વર્ષે બીજી જુલાઈએ બન્ને પક્ષોએ પોતાની દલીલો પૂર્ણ કર્યા પછી કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં ૧૧૩૩ દિવસમાં ૧૨૭ સુનાવણી થઈ હતી. મહિલા બૉક્સરોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ ઑલિમ્પિયન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં હરિયાણાના બૉક્સરોએ બે તબક્કામાં જંતર મંતર પર ૩૮ દિવસ સુધી ધરણાં કર્યાં હતાં.
લડાઈ ચાલુ રહેશે
આ ચુકાદા બાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એકસરખાં નિવેદનો આપીને લખ્યું હતું કે ‘મહિલા બૉક્સરોએ રસ્તા પર ઊતરીને બ્રિજભૂષણ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવો પડ્યો હતો. અમે આશા ગુમાવી નથી અને બૉક્સરો તેમની લડાઈ ચાલુ રાખશે. અમે કોર્ટના નિર્ણયને પડકારીશું.’
વિનેશ ફોગાટે શું કહ્યું?
આ મુદ્દે વિનેશ ફોગાટે લખ્યું હતું કે ‘શાસક પક્ષના એક શક્તિશાળી નેતા વિરુદ્ધ રસ્તા પર ઊતરીને FIR નોંધાવવા માટે અમને ઘણી હિંમતની જરૂર પડી. બ્રિજભૂષણે પોતાની શક્તિ અને બળનો ઉપયોગ કરીને ઘણી છોકરીઓને ડરાવીને તેમનાં નામ પાછાં ખેંચાવી લીધાં હતાં, પરંતુ ઘણી મહિલા બૉક્સરોએ કોર્ટમાં બ્રિજભૂષણ સામે લડત આપી. અમને એ વાતે ખૂબ જ દુઃખ છે કે કોર્ટે મહિલા બૉક્સરો દ્વારા લગાવવામાં આવેલા જાતીય હિંસાના આરોપોમાં બ્રિજભૂષણ શરણ સિંહને દોષિત ઠેરવ્યા નથી. શરૂઆતથી જ સમગ્ર વ્યવસ્થા, સરકાર અને આ સિસ્ટમ બ્રિજભૂષણને બચાવવા માટે કામ કરી રહી હતી.’
કોર્ટથી મોટું કોઈ નથીઃ મહાવીર ફોગાટ
દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા મહાવીર ફોગાટે કહ્યું હતું કે ‘કોર્ટનો નિર્ણય સાર્વત્રિક રીતે સ્વીકાર્ય છે. કોર્ટના નિર્ણયને કોણ બદલી શકે છે? બધા બૉક્સરોએ પોતાની લડાઈ લડી હતી, પરંતુ આખરે કોર્ટને નિર્ણય લેવાનો હતો. આ દેશમાં કોઈ પણ કોર્ટથી મોટું નથી. બૉક્સરોના આગામી પગલાં વિશે તેમની સાથે ચર્ચા કરી નથી.’
સમજાતું નથી તેમને કયા આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યાઃ બજરંગ પુનિયા
બ્રિજભૂષણ શરણ સિંહ વિશે કોર્ટના નિર્ણય પછી બૉક્સર બજરંગ પુનિયાએ કહ્યું હતું કે ‘આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે તેમની પાસે બધી શક્તિ છે, તેમની પાસે બધું છે. તેમણે સાક્ષીઓને તોડી નાખ્યા હતા. અમે હવે કોર્ટના વિગતવાર આદેશને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. અમને સમજાતું નથી કે તેમને કયા આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.’
હોઇહી સોઇ જો રામ રચી રખાઃ બ્રિજભૂષણ શરણ સિંહ
ચુકાદા પછી જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના સમર્થકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો હતો અને અબીર-ગુલાલથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્રકારે પૂછ્યું કે આ ક્ષણ તમારા માટે કેટલી ખુશીની છે? આના પર બ્રિજભૂષણ સિંહે રામચરિતમાનસની ‘હોઇહી સોઇ જો રામ રચી રખા’ ચોપાઈનો ઉલ્લેખ કર્યો હતો.
