વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે એનો અવાજ ૩૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો
નૌગામ પોલીસ-સ્ટેશનમાં થયેલા આકસ્મિક વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોને ગઈ કાલે શ્રીનગરમાં સુરક્ષા જવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ફરીદાબાદ આતંકવાદી મૉડ્યુલ કેસમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના વિશાળ જથ્થામાં શુક્રવારે રાત્રે ૧૧.૨૦ વાગ્યે શ્રીનગરના પોલીસ-સ્ટેશનમાં વિસ્ફોટ થતાં પોલીસ-કર્મચારીઓ અને ફૉરેન્સિક ટીમના અધિકારીઓ સહિત ૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૨૯ અન્ય ઘાયલ થયા છે. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે એનો અવાજ ૩૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. અધિકારીઓ વિસ્ફોટકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે.
આ સંદર્ભમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરીદાબાદથી આ વિસ્ફોટકો નૌગામ પોલીસ-સ્ટેશનમાં લાવીને રાખવામાં આવ્યા હતા અને અધિકારીઓ એની ચકાસણી કરતા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.
ADVERTISEMENT
જીવ ગુમાવનારા લોકોમાં રાજ્યની તપાસ-એજન્સીના એક અધિકારી, ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના ૩ અધિકારીઓ, ક્રાઇમ વિંગના બે અધિકારીઓ, બે મહેસૂલ અધિકારીઓ અને ટીમ સાથે સંકળાયેલા એક દરજીનો સમાવેશ થાય છે.
યાદ રહે કે નૌગામ પોલીસ-સ્ટેશને જ એ વિસ્તારનાં વિવિધ સ્થળોએ લાગેલાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં પોસ્ટરોનો ખુલાસો કર્યો હતો. આ પોસ્ટરોએ આતંકવાદી મૉડ્યુલનો પર્દાફાશ કર્યો હતો જેમાં કટ્ટરપંથી ઉચ્ચ લાયકાત ધરાવતા વ્યાવસાયિકો સામેલ હતા. આ શોધથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી અને ઘણા આતંકવાદી ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી.


