યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરની બહાર ૨૫ રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી હિમાંશુ ભાઉ ગૅન્ગે આપી ધમકી
બાઇક પર સવાર ૩ હુમલાખોરોએ એલ્વિશ યાદવના ઘરની બહાર ૨૫થી ૩૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ગઈ કાલે વહેલી સવારે ૫.૩૦થી ૬ વાગ્યાની વચ્ચે ગુરુગ્રામના સેક્ટર ૫૬માં યુટ્યુબર અને બિગ બૉસ વિજેતા એલ્વિશ યાદવના ઘરે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. બાઇક પર સવાર માસ્ક પહેરેલા ૩ હુમલાખોરો લગભગ ૨૫થી ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા.
હિમાંશુ ભાઉ ગૅન્ગે જવાબદારી લીધી
ADVERTISEMENT
એલ્વિશ યાદવના ઘરે ગોળીબારની જવાબદારી હિમાંશુ ભાઉ ગૅન્ગે લીધી છે. ગૅન્ગસ્ટર હિમાંશુ ભાઉ પોર્ટુગલમાં રહે છે. આ અંગે ગૅન્ગના સભ્યો દ્વારા સોશ્યલ મીડિયા પોસ્ટ પણ કરવામાં આવી છે. બે બંદૂકવાળા ગ્રાફિક અને BHAU GANG SINCE 2020 લખાણવાળી આ પોસ્ટમાં લખ્યું છે, ‘જય ભોલે કી, હા ભાઈ રામ, રામ બધા ભાઈઓ. આજે એલ્વિશ યાદવના ઘરે જે ગોળીઓ ચલાવવામાં આવી હતી એ નીરજ ફરીદપુર અને ભાઉ રૈતોલિયા દ્વારા ચલાવવામાં આવી હતી. આજે અમે તેનો પરિચય કરાવ્યો છે. તેણે સટ્ટાબાજીનો પ્રચાર કરીને ઘણાં ઘરો બરબાદ કરી દીધાં છે. આ બધા સોશ્યલ મીડિયાના કીડા, દરેકને ચેતવણી આપવામાં આવે છે કે જે કોઈ પણ સટ્ટાબાજીનો પ્રચાર કરતો જોવા મળશે તેને ગમે ત્યારે ફોન અથવા ગોળી મળી શકે છે. તેથી જે કોઈ સટ્ટાબાજીમાં સામેલ છે તેઓ તૈયાર રહેજો.’
એલ્વિશ ઘરે નહોતો
જે સમયે એલ્વિશના ઘરે ફાયરિંગ થયું એ સમયે એલ્વિશ ઘરે નહોતો. ફાયરિંગ વખતે એલ્વિશના મમ્મી-પપ્પા અને તેનો કૅરટેકર ઘરે હતા. આ ઘટના અંગે એલ્વિશ યાદવ કે તેના પરિવાર દ્વારા હજી સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. એલ્વિશ યાદવના પિતા રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે ‘પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટના સમયે અમારો પરિવાર ઘરની અંદર હતો.’

