ઑપરેશન સિંદૂરના પરિણામે પાકિસ્તાને બહાવલપુર, મુરિદકે, મુઝફ્ફરાબાદ અને અન્ય સ્થળોએ એની આતંકવાદી છાવણીઓનો નાશ જોયો છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાની આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો હતો. જોકે પાકિસ્તાનના પ્રતિકારમાં ભારતે કરેલી જવાબી કાર્યવાહીમાં પણ ભારે નુકસાન થયું હોવા છતાં પાકિસ્તાન પોતાનાં વખાણ કરતાં થાકતું નથી અને જીતનો દાવો કરે છે. એ સંદર્ભમાં ગઈ કાલે એક પત્રકાર-પરિષદમાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ‘જીતનો દાવો કરવો એ પાકિસ્તાનની જૂની આદત છે. ૧૯૭૧માં પણ આવું જ હતું, ૧૯૯૯માં કારગિલમાં પણ આવું જ હતું. આ પાકિસ્તાનનું જૂનું વલણ છે કે ઢોલ વગાડો. હારી જાઓ, પણ ઢોલ વગાડો.’
રણધીર જાયસવાલે પાકિસ્તાનના વિદેશપ્રધાન ઇશાક ડારે વિદેશી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂરના પરિણામે પાકિસ્તાને બહાવલપુર, મુરિદકે, મુઝફ્ફરાબાદ અને અન્ય સ્થળોએ એની આતંકવાદી છાવણીઓનો નાશ જોયો છે. અમે એમની લશ્કરી ક્ષમતાઓમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને એમના મુખ્ય ઍરબેઝને નિષ્ક્રિય કર્યા છે. જો પાકિસ્તાની વિદેશપ્રધાન એને એક સિદ્ધિ તરીકે રજૂ કરવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. ૯ મેની રાત સુધી પાકિસ્તાન ભારતને મોટા હુમલાની ધમકી આપી રહ્યું હતું. ૧૦ મેની સવારે જ્યારે એમનો પ્રયાસ નિષ્ફળ ગયો અને એમને ભારત તરફથી વિનાશક બદલો મળ્યો ત્યારે એમનો સૂર બદલાઈ ગયો હતો અને એમણે યુદ્ધ રોકવા માટે ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO)નો સંપર્ક સાધ્યો હતો.
ADVERTISEMENT
પાકિસ્તાન પચાવી પાડેલા કાશ્મીરના ભાગને ખાલી કરે
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો હતો અને એને ગેરકાયદે રીતે કબજે કરેલો ભારતીય વિસ્તાર ખાલી કરવા કહ્યું હતું. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘લાંબા સમયથી અમારું રાષ્ટ્રીય વલણ રહ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત કોઈ પણ મુદ્દો ભારત અને પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ. આ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. પેન્ડિંગ મામલો ફક્ત પાકિસ્તાન દ્વારા ગેરકાયદે રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશ કાશ્મીરને ખાલી કરાવવાનો છે.’

