Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૨ કલાકનો ભયંકર ટ્રાફિક જૅમ, ૮ કિલોમીટર સુધી ૪૦૦૦ વાહનો ફસાયાં ત્રણ જણના તો રસ્તામાં જીવ જતા રહ્યા

૩૨ કલાકનો ભયંકર ટ્રાફિક જૅમ, ૮ કિલોમીટર સુધી ૪૦૦૦ વાહનો ફસાયાં ત્રણ જણના તો રસ્તામાં જીવ જતા રહ્યા

Published : 30 June, 2025 09:08 AM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના ઇન્દોર-દેવાસ હાઇવે પર પ્રશાસનની જીવલેણ બેદરકારી

મધ્ય પ્રદેશમાં ઇન્દોર-દેવાસ હાઇવે

મધ્ય પ્રદેશમાં ઇન્દોર-દેવાસ હાઇવે


મધ્ય પ્રદેશમાં ઇન્દોર-દેવાસ હાઇવે પર ગુરુવાર અને શુક્રવાર વચ્ચે થયેલા ૩૨ કલાકના ભયંકર ટ્રાફિક જૅમમાં ફસાયેલા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુરુવારે સાંજે શરૂ થયેલા અને શુક્રવારની રાત સુધી ચાલેલા આ ટ્રાફિક જૅમમાં ૮ કિલોમીટર જેટલા પટ્ટામાં આશરે ૪૦૦૦ વાહનો ફસાયાં હતાં. આ ટ્રાફિક જૅમ ૬ લેનનો બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે એને લીધે થયો હતો, બ્રિજના આ કામને લીધે વાહનોએ સાંકડા, ખાડાવાળા, વરસાદના પાણીથી ભરેલા સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડ્યો હતો. એ ઉપરાંત આસપાસનાં ગામોમાંથી જવાનું કોઈ ડાઇવર્ઝન નહોતું આપવામાં આવ્યું. પરિણામે જે અંતર કાપતાં માત્ર અડધો કલાક લાગે છે એ અંતર કાપવામાં સાતેક કલાક લાગ્યા હતા અને એને કારણે ઍમ્બ્યુલન્સ, સ્કૂલબસ ઉપરાંત કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતનો કાફલો પણ અટવાઈ ગયો હતો.


આ ટ્રાફિક જૅમને લીધે જે ત્રણ જણે જીવ ગુમાવ્યા એમાં ૬૫ વર્ષના ખેડૂત, પંચાવન વર્ષના કૅન્સર પેશન્ટ અને ૩૨ વર્ષના સિક્યૉરિટી ગાર્ડનો સમાવેશ હતો.



કોના, કેવી રીતે જીવ ગયા?
ઇન્દોરના બિજલપુરના ખેડૂત કમલ પંચાલ પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે પોતાની બહેનની તેરમાની વિધિમાં હાજરી આપવા દેવાસ જઈ રહ્યા હતા. તેઓ ઘરેથી જલદી નીકળ્યા હતા, પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. ટ્રાફિકમાં કમલ પંચાલને ગૂંગળામણ થવા લાગી હતી અને તેમની છાતીમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો. તેમના દીકરાએ રસ્તો ક્લિયર કરવાના પ્રયત્નો કરી જોયા હતા, પણ કોઈ ફાયદો નહોતો થયો અને તેઓ દેવાસની હૉસ્પિટલમાં પહોંચ્યા ત્યાં સુધી કમલ પંચાલનો જીવ જતો રહ્યો હતો. દેવાસથી તેમનો મૃતદેહ તેમના ગામ બિજલપુર લઈ જવાઈ રહ્યો હતો ત્યારે પણ તેઓ ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા.


શુજાલપુરના તિલાવદ ગામના કૅન્સરગ્રસ્ત બલરામ પટેલને ટ્રીટમેન્ટ માટે ઇન્દોર લઈ જવામાં આવી રહ્યા હતા. તેમના પરિવારે પ્રવાસ માટે તેમના માટે ઑક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરી હતી, પરંતુ ટ્રાફિક જૅમમાં એ સિલિન્ડર ખાલી થઈ ગયું હતું. ત્યાર બાદ દેવાસમાં બીજા સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ એ સુધ્ધાં ખાલી થઈ ગયું હતું. ફાઇનલી તેઓ ઇન્દોરની ચોઇથરામ હૉસ્પિટલમાં પહોંચ્યા ત્યાં સુધીમાં બલરામ પટેલનો જીવ જતો રહ્યો હતો. પરિવારજનો બલરામ પટેલનો મૃતદેહ લઈને પાછા ગામ જવા નીકળ્યા ત્યારે પણ તેમને ટ્રાફિક નડ્યો હતો.

ગારી પિપલિયા ગામના ૩૨ વર્ષના સિક્યૉરિટી ગાર્ડ સંદીપ પટેલને ગુરુવારે સાંજે છાતીમાં દુખાવો ઊપડ્યો ત્યારે તેનો પરિવાર તેને હૉસ્પિટલ લઈ જવા નીકળ્યો હતો, પણ જૅમમાં ફસાઈને હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ સંદીપે દમ તોડી દીધો હતો.  


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2025 09:08 AM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK