ઇન્દોરમાં ઍસિડવાળું અને ગંદું પાણી આવતું હોવાની ફરિયાદ બે મહિના પહેલાં ઊઠી હતી, કોઈ કાર્યવાહી ન થઈ
ઇન્દોરમાં પાણીની પાઇપલાઇનમાં સીવેજનું ગંદું પાણી મિક્સ થઈ ગયું હતું
ઇન્દોરના ભાગીરથપુરામાં આશરે બે મહિનાથી વધુ સમય પહેલાં રહેવાસીઓ વારંવાર ઍસિડવાળા, ગંદા અને દુર્ગંધ મારતા પાણીની ફરિયાદ કરી હતી, પણ સુધરાઈએ એના પર ધ્યાન ન આપ્યું એને કારણે આ કરુણાંતિકા સર્જાઈ હતી.
સુધરાઈના રેકૉર્ડ અને હેલ્પલાઇન ડેટા દર્શાવે છે કે ઑક્ટોબરના મધ્યથી ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાયમી સુધારાત્મક પગલાં લેવામાં આવ્યાં નહોતાં. સમારકામ શરૂ થયું ત્યાં સુધીમાં ગટરનું પાણી ભળવાથી દૂષિત થયેલું પાણી પીવાને કારણે લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT

ભાગીરથપુરા વિસ્તારમાંથી લીધેલું પાણીનું સૅમ્પલ દેખાવમાં જ ગંદું લાગતું હતું
ભાગીરથપુરામાંથી બે મહિના પહેલાં ફરિયાદો શરૂ થઈ હતી, ૧૫ ઑક્ટોબરે દિનેશ ભારતી વર્માએ ભાગીરથપુરા (વૉર્ડ-નંબર ૧૧)માં એક મંદિર પાસે બોરવેલના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની ફરિયાદ કરી હતી. બીજી તરફ નવેમ્બરના મધ્યમાં અન્ય રહેવાસી શિવાની ઠકલેએ ચેતવણી આપતાં કહ્યું હતું કે ગંદા પાણીમાં ઍસિડ છે. ૧૮ ડિસેમ્બરે રહેવાસીઓએ નર્મદાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની જાણ કરી હતી અને ૨૮ ડિસેમ્બરે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે વૉર્ડ-નંબર ૧૧ના ૯૦ ટકા લોકો ઊલટી-ઝાડા, ડીહાઇડ્રેશનથી બીમાર પડી રહ્યા છે. આમ વારંવાર ચેતવણી આપવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં ન આવ્યો. પ્રશાસને ફક્ત મૃત્યુના કેસ નોંધાયા પછી જ કાર્યવાહી કરી હતી.


