ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી બહાર આવેલી આ માહિતીએ વધાર્યું પોલીસનું ટેન્શન
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં અધિકારીઓએ લાંબા ગાળાના વીઝા પર રહેતી બાવીસ પાકિસ્તાની મહિલાઓની ઓળખ કરી છે જેમણે ૯૫ બાળકોને જન્મ આપ્યો છે. ૧૯૫૦માં પરણીને ભારત આવેલી આ બધી મહિલાઓ પાકિસ્તાનની નાગરિકતા ધરાવે છે, જ્યારે તેમનાં બાળકોએ ભારતીય નાગરિકતા મેળવી છે. આમાંની ૩૫ ટકા મહિલાઓ દાદી-નાની બની ગઈ છે અને તેમના એક્સટેન્ડેડ પરિવારમાં હવે ૫૦૦થી વધુ લોકોનો સમાવેશ છે.
પોલીસ હવે આ કેસમાં તપાસ કરી રહી છે. આ મુદ્દે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રણવિજય સિંહે જણાવ્યું હતું કે ‘મુરાદાબાદનાં તમામ પોલીસ-સ્ટેશનોની ટીમો તપાસ કરી રહી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. જો દસ્તાવેજ બરાબર નહીં મળે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.’
ADVERTISEMENT
તમામ મહિલાઓ લૉન્ગ ટર્મ વીઝા પર ભારતમાં રહે છે અને હવે પોલીસ આવા પાકિસ્તાની નાગરિકો પર ચાંપતી નજર રાખી રહી છે.
આ મહિલાઓએ મુરાદાબાદના પુરુષો સાથે લગ્ન કર્યાં છે. હવે તેઓ દાદી કે નાની બની ચૂકી છે. તેઓ ભલે પાકિસ્તાની છે, પણ તેમનાં બાળકોને જન્મથી જ ભારતની નાગરિકતા મળી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલાઓ પાસે ભારતનાં આધાર કાર્ડ છે અને તેમણે રૅશન કાર્ડ પણ મેળવી લીધાં છે. તેમણે ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરી છે, પણ તેમને નાગરિકતા આપવામાં આવી નથી.

