હાઈ કોર્ટે કહ્યું કે આ સમાજના સભ્ય તરીકે મને શરમ આવી રહી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કેરલામાં ૧૦૦ વર્ષની માતાને ભરણપોષણ આપવાનો ઇનકાર કરવા બદલ તેના ૫૭ વર્ષના પુત્રને કેરલા હાઈ કોર્ટે ફટકાર લગાવી હતી. હાઈ કોર્ટે ફૅમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો જેમાં પુત્રને ૧૦૦ વર્ષની માતાને દર મહિને ૨૦૦૦ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ કેસમાં જસ્ટિસ પી. વી. કુન્હીકૃષ્ણને પુત્રને ફટકાર લગાવતાં કહ્યું હતું કે ‘જો તે પોતાની માતાની સંભાળ ન રાખી શકે તો તેને પોતાની જાત પર શરમ આવવી જોઈએ. દરેક પુત્રની ફરજ છે કે તે તેની માતાની સંભાળ રાખે. આ દાન નથી. ફૅમિલી કોર્ટમાં અરજી દાખલ કરતી વખતે અરજદારની માતા ૯૨ વર્ષની હતી, જે હવે ૧૦૦ વર્ષની છે અને તેના પુત્ર પાસેથી ભરણપોષણની અપેક્ષા રાખે છે. મને કહેવાની ફરજ પડે છે કે આ સમાજના સભ્ય તરીકે મને ખૂબ શરમ આવે છે, જ્યાં એક પુત્ર તેની ૧૦૦ વર્ષની માતા સાથે ફક્ત એટલા માટે લડી રહ્યો છે કે તેને માસિક ૨૦૦૦ રૂપિયા ભરણપોષણ ન આપવું પડે. આ જોવું દુઃખદાયક છે કે દીકરો તેની માતાની સંભાળ રાખવા તૈયાર નથી અને અલગ-અલગ દલીલો આપીને તેને ભરણપોષણ નકારવા માટે કોર્ટમાં લડી રહ્યો છે.’
ADVERTISEMENT
હાઈ કોર્ટે એપ્રિલ ૨૦૨૨ના ફૅમિલી કોર્ટના આદેશ સામે પુત્રની અપીલ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ‘પુત્રએ ફૅમિલી કોર્ટના આદેશને ૧૧૪૯ દિવસ પછી ૨૦૨૫માં પડકાર્યો હતો. અરજદારે એવી પરિસ્થિતિ ટાળવી જોઈતી હતી જેમાં તેની માતાને ભરણપોષણ મેળવવા માટે કોર્ટનો સંપર્ક કરવો પડે. અરજદારની ફરજ છે કે તે તેની માતાની સંભાળ રાખે અને જો તે આમ ન કરી રહ્યો હોય તો તે માણસ નથી.’
પુત્રએ તેની માતા દ્વારા ફૅમિલી કોર્ટમાં દાખલ કરાયેલી અરજીનો વિરોધ કર્યો હતો, જેમાં તેણે તેને ૫૦૦૦ રૂપિયા ભરણપોષણ ચૂકવવા વિનંતી કરી હતી. પુત્રએ દાવો કર્યો હતો કે માતાને આટલા પૈસાની જરૂર નથી અને જો તે તેની સાથે રહે તો તે તેની સંભાળ રાખશે. તેની માતાને અન્ય બાળકો પણ છે જેઓ તેની સંભાળ રાખતાં નથી. માતા હાલમાં તેના મોટા ભાઈ સાથે રહે છે.

