આવતી કાલે સંસદમાં રજૂ કરાશે ડીલિમિટેશન બિલ, લોકસભા અને વિધાનસભાની બેઠકો ૫૦ ટકા વધશે : મહારાષ્ટ્રમાં લોકસભાની સીટો ૪૮માંથી ૭૨ થશે અને વિધાનસભાની બેઠકો ૨૮૮માંથી ૪૩૨ થશે, ગુજરાતમાં લોકસભાની સીટો ૨૬માંથી ૩૯ અને વિધાનસભાની બેઠકો ૧૮૨માંથી ૨૭૩ થશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં બંધારણ સુધારો બિલ રજૂ કરશે. એમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યામાં ૫૦ ટકા વધારો કરવાનો પ્રસ્તાવ છે. દરેક રાજ્યમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા નક્કી કરવાની જવાબદારી ડીલિમિટેશન કમિશનની રહેશે. એ મહિલાઓ માટે અનામત ૩૩ ટકા બેઠકોની પણ ઓળખ કરશે.
ડીલિમિટેશન બિલ મંજૂર થયા બાદ મહારાષ્ટ્રમાં લોકસભાની સીટો ૪૮થી વધી ૭૨ થશે, જ્યારે વિધાનસભાની બેઠકો ૨૮૮થી વધીને ૪૩૨ થશે; ગુજરાતમાં લોકસભાની સીટો ૨૬થી વધીને ૩૯ થશે, જ્યારે વિધાનસભાની બેઠકો ૧૮૨થી વધીને ૨૭૩ થશે.
ADVERTISEMENT
આ ડીલિમિટેશન કમિશનમાં ત્રણ મુખ્ય સભ્યો હશે જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયાધીશ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર અથવા તેમના દ્વારા નિયુક્ત ચૂંટણી કમિશનર અને સંબંધિત રાજ્યના રાજ્ય ચૂંટણી કમિશનર ડીલિમિટેશન કમિશનના અન્ય બે સભ્યો હશે. વધુમાં દરેક રાજ્યમાંથી ૧૦ સહયોગી સભ્યોને નામાંકિત કરવામાં આવશે. કમિશનનો કાર્યકાળ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. જો જરૂરી હોય તો સરકાર એને લંબાવી પણ શકે છે.
૮૫૦ સંસદસભ્યોનો પ્રસ્તાવ
બંધારણ (૧૩૨મો સુધારો) બિલ, ૨૦૨૬ લોકસભાના સભ્યોની મહત્તમ સંખ્યા ૮૫૦ સુધી વધારવાનો પ્રસ્તાવ ધરાવે છે. આમાં રાજ્યોમાંથી મહત્તમ ૮૧૫ સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૩૫ સભ્યોનો સમાવેશ થશે. રાજ્ય વિધાનસભાઓમાં સભ્યોની મહત્તમ સંખ્યા ૫૦૦થી વધારીને ૬૫૦ કરવાનો પ્રસ્તાવ છે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વર્તમાન બેઠકો કરતાં ૫૦ ટકા વધારો થશે. આનાથી લોકસભામાં રાજ્યોનો વર્તમાન હિસ્સો વ્યાપકપણે જળવાઈ રહેશે. નવા ડીલિમિટેશન પછી બેઠકોની સંખ્યા ૨૦૫૧ સુધી યથાવત્ રહેશે.
મહિલાઓને ૧૫ વર્ષ માટે અનામત મળશે
મહિલાઓ માટે અનામત ૨૦૨૩ના બંધારણીય સુધારાના અમલીકરણની તારીખથી ૧૫ વર્ષ સુધી કાર્યરત રહેશે. સંસદ કાયદો બનાવીને એનો સમયગાળો લંબાવી શકશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે અનામત બેઠકો સંબંધિત વર્ગો માટે અનામત મતવિસ્તારમાં નક્કી કરવામાં આવશે. સંસદ નક્કી કરશે કે કઈ સત્તા દ્વારા અને કઈ રીતે અનામત બેઠકોનું રોટેશન કરવામાં આવશે.
એપ્રિલમાં બિલ ૫૪ વોટથી પરાજિત થયું હતું
આ પહેલાં ૧૭ એપ્રિલે મહિલા આરક્ષણ સંબંધિત બંધારણ સંશોધન બિલ લોકસભામાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરી શક્યું નહોતું. એની તરફેણમાં ૨૯૮ અને વિરોધમાં ૨૩૦ મત પડ્યા હતા. બિલને પસાર કરવા માટે વધુ ૫૪ વોટની જરૂર હતી. આ પછી સરકાર આને લગતા અન્ય બિલો સાથે આગળ વધી નહોતી.
સીમાંકન બાદ કયા રાજ્યમાં કેટલી બેઠકો? કાયદા પ્રધાને મૅપ શૅર કર્યો

૨૦૨૬ની ૩૦ નવેમ્બરે લોકસભામાં સીમાંકન બિલ રજૂ થાય એ પહેલાં કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે ટ્વીટ કરીને રાજ્યોનો મૅપ શૅર કર્યો હતો. એમાં સીમાંકન બાદ કયા રાજ્યમાં કેટલી બેઠકો હશે એ દર્શાવાયું છે. સરકારના પ્રસ્તાવ મુજબ, લોકસભાની બેઠકો ૫૦ ટકા વધારીને ૫૪૩થી અંદાજે ૮૧૬ કરાશે.
