કોઈ રાજકીય બૅકગ્રાઉન્ડ ન ધરાવતા, એકેય ઇલેક્શન ન લડેલા માર્ક કાર્ની બનશે કૅનેડાના નવા વડા પ્રધાન, બે સેન્ટ્રલ બૅન્કોના ગવર્નર રહી ચૂકેલા આ નેતાએ ટ્રમ્પને સંભળાવી દીધું કે કૅનેડા કદી અમેરિકાનો ભાગ નહીં બને
આ નેતાએ ટ્રમ્પને સંભળાવી દીધું કે કૅનેડા કદી અમેરિકાનો ભાગ નહીં બને
કૅનેડાની સત્તારૂઢ લિબરલ પાર્ટીના ૫૯ વર્ષના નેતા માર્ક કાર્ની દેશના આગામી વડા પ્રધાન બનશે અને તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. તેમણે ગોલ્ડમૅન સાક્સમાં બૅન્કર તરીકે કામ કર્યું છે તેમ જ હાર્વર્ડ અને ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો છે.
આગામી વડા પ્રધાન તરીકે તેમના નામની જાહેરાત થયા બાદ માર્ક કાર્નીએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કૅનેડા એ અમેરિકા નથી, કૅનેડા કદી અમેરિકાનો હિસ્સો નહીં બને. પાર્ટીના સભ્યોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘અમેરિકાએ કોઈ ભૂલ કરવી નહીં, હૉકી હોય કે વેપાર, કૅનેડા હંમેશાં જીતશે. અમેરિકા એના પ્લાનમાં સફળ થાય તો તેઓ આપણા જીવનને નષ્ટ કરી દેશે.’
ADVERTISEMENT
૮૫ ટકા મત મળ્યા
લિબરલ પાર્ટીના નેતા તરીકે પસંદગીમાં તેમને ૮૫ ટકા એટલે કે ૧,૩૧,૬૭૪ મત મળ્યા હતા. તેમનું કોઈ રાજકીય બૅકગ્રાઉન્ડ નથી, તેઓ કદી ચૂંટણી લડ્યા નથી પણ તેઓ વિશ્વના બે દેશોની સેન્ટ્રલ બૅન્કોના ગવર્નર રહી ચૂક્યા છે.
મંદીમાંથી કૅનેડાને બહાર કાઢ્યું
માર્ક કાર્ની ૨૦૦૮માં બૅન્ક ઑફ કૅનેડાના ગવર્નર હતા અને દુનિયાભરમાં મંદી છવાઈ હતી ત્યારે તેમણે વ્યાજદર ઘટાડીને કૅનેડાને મંદીમાંથી બહાર કાઢ્યું હતું. તેમની આ કામગીરીના પગલે ૨૦૧૩માં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે તેમને ગવર્નર બનાવ્યા હતા. તેઓ ઇંગ્લૅન્ડની બૅન્કના બ્રિટનની બહારના પહેલા ગવર્નર નિયુક્ત કરાયા હતા.
ભારતની અર્થવ્યવસ્થાથી પરિચિત
માર્ક કાર્ની આ વર્ષના જાન્યુઆરી સુધી બ્રુકફીલ્ડ ઍસેટ મૅનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ હતા અને આ પેઢીએ ભારતમાં રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા ક્ષેત્રમાં ૩૦ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.

