ઇરાકમાં આગ લાગતાં ૧૦૦ વ્યક્તિનાં મોત અને વધુ સમાચાર
ફાઇલ તસવીર
સમગ્ર મણિપુર ‘ડિસ્ટર્બ એરિયા’ જાહેર
ઇમ્ફાલ : મણિપુર સરકારે કાયદા-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી છ મહિના માટે આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર્સ ઍક્ટ (અફસ્પા) હેઠળ સમગ્ર રાજ્યને ‘ડિસ્ટર્બ એરિયા’ જાહેર કર્યો હતો. જોકે રાજધાની ઇમ્ફાલ સહિત ૧૯ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારો એમાંથી બાકાત છે. શંકાસ્પદ હથિયારધારી પુરુષો દ્વારા મૈતેયી સમુદાયના બે સ્ટુડન્ટ્સના અપહરણ અને ક્રૂર હત્યાના પગલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બે સ્ટુડન્ટ્સ-ફિજમ હેમજિત અને હિજમ લિન્થોઇનગાબીની હત્યા વિશે સીએમ બિરેન સિંહે કાવતરાખોરોની વિરુદ્ધ ઍક્શન લેવાની ખાતરી આપી હતી. આ કેસ સીબીઆઇને સોંપાયો છે.
ADVERTISEMENT
કેજરીવાલના સરકારી બંગલાના બાંધકામની તપાસ કરશે સીબીઆઇ
નવી દિલ્હી : સીબીઆઇએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઑફિશ્યલ નિવાસસ્થાનના બાંધકામમાં ટેન્ડરના રૂલ્સના ભંગ સહિત કથિત અનિયમિતતાના આરોપોની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. જો આ તપાસમાં પૂરતી વિગતો મળશે તો સીબીઆઇ રેગ્યુલર કેસ દાખલ કરશે. સીબીઆઇએ કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલી બિડ્ઝ, પીડબ્લ્યુડીના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી મંજૂરીના રેકૉર્ડ્ઝ સહિતના ડૉક્યુમેન્ટ્સની કૉપી દિલ્હી સરકારના પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ પાસેથી માગી છે. સીબીઆઇએ બિલ્ડિંગ પ્લાનની મંજૂરીના સંબંધમાં ડૉક્યુમેન્ટ્સ પણ માગ્યા છે.
ઇસ્કૉન કસાઈને ગાયો વેચી રહ્યું છે : મેનકા ગાંધી
નવી દિલ્હી : બીજેપીનાં એમપી મેનકા ગાંધીએ ઇસ્કૉન (ધ ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શિયસનેસ) પર ચોંકાવનારો આરોપ મૂક્યો છે, જે બાબતે ઇસ્કૉને પણ રીઍક્શન આપ્યું છે. મેનકાએ કહ્યું હતું કે ‘અહીં સૌથી મોટા દેશના ઠગ ઇસ્કૉન છે. તેઓ ગૌશાળા રાખે છે. ગૌશાળા ચલાવવા માટે સરકાર તરફથી તેમને દુનિયાભરના લાભ મળે છે. વિશાળ જમીનો સહિત ઘણુંબધું મળે છે. હું આ લોકોની અનંતપુર ગૌશાળા (આંધ્રપ્રદેશ)માં ગઈ હતી જ્યાં દૂધ ન આપતી હોય એવી એક પણ ગાય નહોતી. સમગ્ર ડેરીમાં એક પણ વાછરડું નહીં. એનો અર્થ એ થયો કે બધાં વેચી નાખ્યાં. ઇસ્કૉન એની તમામ ગાય કસાઈને વેચી રહ્યું છે. તેઓ જેટલું આ કરે છે, એવું બીજું કોઈ કરતું નથી. તેમણે જેટલી ગાયોને કસાઈઓને વેચી છે ભાગ્યે જ બીજા કોઈએ વેચી હશે. જો આ લોકો કરી શકે છે તો બીજાનું શું?’ ઇસ્કૉને આ આરોપને ફગાવી દીધો હતો.
નિજ્જરની હત્યામાં આઇએસઆઇનો હાથ? : ભારત અને કૅનેડાના સંબંધોને ખરાબ કરવા પાકિસ્તાનના કાવતરાની શક્યતા
નવી દિલ્હી : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કૅનેડામાં હત્યા બાદ ભારત અને કૅનેડા વચ્ચે તણાવભરી સ્થિતિ છે. હવે નિજ્જરની હત્યાને લઈને નવો ખુલાસો થયો છે. આ હત્યામાં આઇએસઆઇની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇન્ટેલિજન્સ એજન્સીના સોર્સિસને ટાંકીને કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આઇએસઆઇએ કૉન્ટ્રૅક્ટ કિલર્સથી નિજ્જરની હત્યા કરાવી છે. વાસ્તવમાં પાકિસ્તાન ભારત અને કૅનેડાના સંબંધો ખરાબ થાય એમ ઇચ્છે છે.સોર્સિસે જણાવ્યું હતું કે આઇએસઆઇ નિજ્જર પર છેલ્લાં બે વર્ષમાં કૅનેડામાં આવેલા ગૅન્ગસ્ટર્સને પૂરેપૂરો સપોર્ટ કરવા માટે પ્રેશર કરી રહી હતી. જોકે નિજ્જર તો ખાલિસ્તાનના જૂના નેતાઓ સાથે કામ કરવા ઇચ્છતો હતો. ઇન્ટેલિજન્સ એજન્સીના સોર્સિસ અનુસાર આઇએસઆઇને જ્યારે લાગ્યું કે નિજ્જર વાત નથી માનતો ત્યારે એક કાંકરે બે નિશાન બનાવવાનું કાવતરું રચવામાં આવ્યું. નિજ્જરની આ વર્ષે જૂનમાં કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ઇરાકમાં આગ લાગતાં ૧૦૦ વ્યક્તિનાં મોત
ઇરાકના બખદિદામાં ગઈ કાલે આગમાં ઈજા પામનારાઓને હમદાનિયા જનરલ હૉસ્પિટલમાં લઈ જતી વખતે આ હૉસ્પિટલની બહાર સૈનિકો અને ઇમર્જન્સી સર્વિસની ટીમના મેમ્બર્સ (તસવીર : એ.એફ.પી.)
મોસુલ : ઉત્તર ઇરાકમાં ખ્રિસ્તી લગ્નની ઉજવણી દરમ્યાન ફટાકડાને કારણે ફાટી નીકળેલી આગમાં મહેમાનોથી ભરેલો એક હૉલ ભસ્મીભૂત થઈ ગયો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૦૦ વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૧૫૦ જેટલા ઘાયલ થયા હતા. ઑથોરિટીઝે ગઈ કાલે આશંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુ પામનારાઓની સંખ્યા હજી પણ વધી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ઇરાકના નિનેવેહ પ્રાંતના હમદાનિયા વિસ્તારમાં લાગી હતી.

