કુલ ૨૬ પ્રધાનોએ સોગંદ લીધા એમાં ૧૪ BJPના અને ૮ JDUના
શપથવિધિ સમારોહમાં નરેન્દ્ર મોદીએ જનતાનું ગમછો હલાવીને અભિવાદન કર્યું હતું અને સામે લોકોએ પણ ગમછો હલાવીને પ્રતિસાદ આપ્યો હતો.
ગઈ કાલે નીતીશ કુમારે બિહારના મુખ્ય પ્રધાન તરીકે દસમી વાર શપથ લીધા હતા. પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને BJPના અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત મોટા નેતાઓ હાજર રહ્યા હતા. શપથ-સમારોહમાં BJPના સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા હતા. આ કાર્યક્રમમાં ૨૬ પ્રધાનોએ શપથ લીધા હતા. એમાં ૧૪ BJPના, ૮ જનતા દલ યુનાઇટેડ (JDU)ના, બે લોક જનશક્તિ પાર્ટી-રામ વિલાસ પાસવાન (LJP-RP)ના તેમ જ એક-એક હિન્દુસ્તાની અવામ મોરચા (HAM) અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પ્રધાનો છે. આ વખતે એક મુસ્લિમ ચહેરાને પણ પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે અને એ છે JDUના જમા ખાન.
શપથવિધિની શરૂઆતમાં બિહારની ગાથા ગાતું ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શપથવિધિ પૂરી થયા પછી નરેન્દ્ર મોદીએ ગમછો હલાવીને લોકોને અભિવાદન કર્યું હતું. હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તર પ્રદેશ, નાગાલૅન્ડ, ઓડિશા, દિલ્હી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનો પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
નીતીશ કુમારની કૅબિનેટમાં આ વખતે ૧૩ નવા લોકોને મોકો આપવામાં આવ્યો છે. એમાંથી એક સંજય સિંહ પણ સામેલ છે જેમણે લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપને હરાવ્યા હતા.
સૌથી નાના, સૌથી મોટા
સૌથી નાની વયનાં પ્રધાન બન્યાં BJPનાં ૩૪ વર્ષનાં શ્રેયસી સિંહ, જ્યારે ૭૯ વર્ષના બિજેન્દ્ર પ્રસાદ યાદવ સૌથી વયસ્ક પ્રધાન છે. શ્રેયસી ભૂતપૂર્વ રેલવે રાજ્યપ્રધાન દિગ્વિજય સિંહનાં દીકરી છે અને કૉમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યાં છે.
પ્રશાંત કિશોરે કડવી હારના આત્મચિંતન માટે કર્યું ૨૪ કલાકનું મૌન વ્રત
વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી મોટા-મોટા દાવા છતાં એક બેઠક સાથે ખાતું પણ ન ખોલાવી શકી. કડવી હાર મળ્યા પછી પ્રશાંત કિશોરે આત્મમંથન માટે ગઈ કાલે એક દિવસનું મૌન વ્રત રાખ્યું હતું. નીતીશ કુમાર પટનામાં મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લઈ રહ્યા હતા ત્યારે પ્રશાંત કિશોરે એક દિવસનું મૌન રાખ્યું હતું.
આ વિશેની જાહેરાત મંગળવારે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કરતાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ‘૨૦ નવેમ્બરે હું ગાંધી ભિતિહરવા આશ્રમમાં એક દિવસનો મૌન ઉપવાસ કરીશ. તમે લોકોએ છેલ્લાં ૩ વર્ષમાં મને જેટલી મહેનત કરતો જોયો છે એનાથી બમણી મહેનત કરીશ અને મારી પૂરી એનર્જી લગાવી દઈશ. જ્યાં સુધી હું બિહારને બહેતર બનાવવાના સંકલ્પને પૂરો નહીં કરું ત્યાં સુધી પાછળ વળીને જોઈશ નહીં.’
નીતીશ કુમાર પગે લાગ્યા, પણ નરેન્દ્ર મોદીએ રોકી લીધા

ગઈ કાલે નીતીશ કુમારે દસમી વાર બિહારના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા એ કાર્યક્રમમાં હાજરી આપીને વડા પ્રધાન પટના ઍરપોર્ટ પર ગયા ત્યારે તેમને વિદાય આપવા નીતીશ કુમાર પણ ઍરપોર્ટ ગયા હતા. ત્યાં તેમણે નરેન્દ્ર મોદીને પગે લાગવાની ચેષ્ટા કરી હતી, પણ નરેન્દ્ર મોદીએ તેમના હાથ પકડીને તેમને રોકી લીધા હતા.


