સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરવાનો નિર્ણય, નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કૅબિનેટ કમિટી આૅન સિક્યૉરિટીની બેઠકમાં અટારી ચેકપોસ્ટ પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો
આજે સર્વપક્ષીય બેઠક બોલાવી સરકારે
સિંધુ જળ કરાર સસ્પેન્ડ, અટારી ચેકપોસ્ટ બંધ, SVES વીઝા રદ અને આવા વીઝાવાળા પાકિસ્તાનીઓને દેશ છોડવા ૪૮ કલાકની મહેતલ, બન્ને દેશોના હાઈ કમિશનમાં મોટા ફેરફાર
પહલગામમાં મંગળવારે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયેલી કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી (CCS)માં પાંચ મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં પાકિસ્તાન સાથેના ૧૯૬૦ના સિંધુ જળ કરારને તાત્કાલિક અમલથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને અટારી પરની ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટને પણ તાત્કાલિક અમલથી બંધ કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકર, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ અને અન્ય સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલી બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકર, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ અને અન્ય સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક સમાપ્ત થયા બાદ વિદેશ સચિવ વિક્રમ મિસરીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘CCSની બેઠકમાં આતંકવાદી હુમલાની જાણકારી આપવામાં આવી હતી અને એમાં જણાવવામાં આવ્યું હતું કે પચીસ ભારતીય અને એક નેપાલી નાગરિકનું મૃત્યુ થયું હતું. અનેક લોકો ઘાયલ થયા હતા. આ બેઠકમાં હુમલાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ૧૯૬૦માં પાકિસ્તાન સાથે કરવામાં આવેલા સિંધુ જળ કરારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે.’
પાંચ મહત્ત્વના નિર્ણય
સિંધુ જળ કરાર સસ્પેન્ડ : પાકિસ્તાન વિશ્વસનીય અને અપરિવર્તનીય રૂપથી સીમા પાર આતંકવાદને તેનું સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ૧૯૬૦ના સિંધુ જળ કરારને તાત્કાલિક અમલથી સ્થગિત કરવામાં આવે છે.
અટારી ચેકપોસ્ટ : ઇન્ટિગ્રેટેડ અટારી ચેકપોસ્ટને તાત્કાલિક પ્રભાવથી બંધ કરી દેવામાં આવે છે. જે લોકો પાકિસ્તાનથી વીઝા અને દસ્તાવેજ સાથે ભારતમાં આવ્યા છે તેમણે પહેલી મે સુધીમાં એ જ માર્ગે પાછા જતા રહેવું પડશે.
વીઝા રદ : પાકિસ્તાનના નાગરિકોને સાર્ક વીઝા એક્ઝેમ્પ્શન સ્કીમ (SVES) હેઠળ ભારતમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. જે પાકિસ્તાની નાગરિકોને આવા SVES વીઝા ભૂતકાળમાં આપવામાં આવ્યા છે એને કૅન્સલ ગણવામાં આવશે. જે પાકિસ્તાની નાગરિકો આવા વીઝા હેઠળ ભારતમાં છે તેમણે ૪૮ કલાકમાં આ દેશ છોડી દેવો પડશે.
નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં ડિફેન્સ, મિલિટરી, નેવલ અને ઍર ઍડ્વાઇઝરોને પરસોના નૉન ગ્રાટા જાહેર કરવામાં આવ્યા છે અને તેમની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે. આ તમામ પદને દૂર કરવામાં આવે છે.
ભારત-ઇસ્લામાબાદ સ્થિત હાઈ કમિશનમાં ડિફેન્સ, મિલિટરી, નેવલ અને ઍર ઍડ્વાઇઝરોને પરસોના નૉન ગ્રાટા જાહેર કરવામાં આવ્યા છે, આ તમામ પદોને હટાવી દેવામાં આવે છે. તેમને પાછા બોલાવી લેવામાં આવશે. સેવા સલાહકારોના પાંચ સહાયક કર્મચારીઓને પણ બેઉ હાઈ કમિશનમાંથી પાછા બોલાવી લેવાશે. પહેલી મેથી હાઈ કમિશનમાં કર્મચારીની સંખ્યા પંચાવનથી ઘટાડીને ૩૦ કરવામાં આવશે.

