Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પોતાના પહેલવહેલા ઇલેક્શનમાં પ્રશાંત કિશોરે બોલાવ્યો સપાટો

પોતાના પહેલવહેલા ઇલેક્શનમાં પ્રશાંત કિશોરે બોલાવ્યો સપાટો

Published : 04 August, 2026 11:35 AM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર મોટો અપસેટ, BJPના પ્રમુખ નીતિન નબીને છોડેલી બેઠકની પેટાચૂંટણીમાં ભૂંડો પરાજય : ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં જન સુરાજ પાર્ટીનો રકાસ થયો હતો, પણ પેટાચૂંટણીમાં એના ચીફે જોરદાર વિજય મેળવ્યો

ગઈ કાલે પટનામાં વિજયસરઘસમાં પ્રશાંત કિશોર

ગઈ કાલે પટનામાં વિજયસરઘસમાં પ્રશાંત કિશોર


બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં મોટો ઊલટફેર જોવા મળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ નીતિન નબીને છોડેલી બેઠક પર BJPને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ બેઠક પર જન સુરાજ પાર્ટી (JSP)ના ઉમેદવાર પ્રશાંત કિશોરને ૬૪,૧૫૧ મત મળ્યા હતા અને તેમણે BJPના નીરજ સિંહાને ૧૯,૩૨૪ મતથી હરાવ્યા છે. આ બેઠક પર નીરજ સિંહાને ૪૪,૮૨૭ મત મળ્યા હતા. ત્રીજા સ્થાને આવેલાં રાષ્ટ્રીય જનતા દલ (RJD)નાં ઉમેદવાર રેખા ગુપ્તાને ૧૪,૨૭૩ મત મળ્યા હતા.

આમ જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે નીતિન નબીનના ગઢ સમા બાંકીપુરમાં પ્રચંડ વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. મતગણતરીની શરૂઆતથી જ JSPના ઉમેદવાર પ્રશાંત કિશોરે લીડ મેળવી હતી, જે તેમણે અંત સુધી જાળવી રાખી હતી. બાંકીપુર બેઠક પટનાના શહેરી વિસ્તારમાં આવેલી છે અને એને ૩૦ વર્ષથી BJPનો ગઢ માનવામાં આવે છે. BJP પ્રમુખ નીતિન નબીન આ બેઠક પરથી વિધાનસભ્ય હતા. પ્રશાંત કિશોરની આ પહેલવહેલી ચૂંટણી હતી.



બાંકીપુર પેટાચૂંટણી માટે મતદાન ૩૦ જુલાઈએ થયું હતું, જેમાં આશરે ૩૫ ટકા મતદાન થયું હતું. ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં ૪૧.૩૫ ટકા મતદાન થયું હતું. એ સમયે BJPના નીતિન નબીને RJDનાં રેખા કુમારીને લગભગ ૫૨,૦૦૦ મતોથી હરાવ્યાં હતાં. પાર્ટીએ તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા બાદ તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા અને તેથી તેમણે આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.


ગયા વર્ષે યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જન સુરાજ પાર્ટીને ૨૩૮માંથી એકેય બેઠક પર જીત નહોતી મળી અને માત્ર ૩.૪૪ ટકા વોટ મળ્યા હતા. એ વખતે જોકે પ્રશાંત કિશોરે ચૂંટણી નહોતી લડી.

બાંકીપુરની ચૂંટણી NDA સરકારના નેતૃત્વનો નિર્ણય લેવા માટે હતી : પ્રશાંત કિશોર


પોતાના વિજય બાદ પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ‘અમે ચૂંટણીમાં પરાજિત થનારાઓને પણ અભિનંદન આપીએ છીએ. આ લોકશાહી છે અને ચૂંટણીમાં હાર અને જીત થતી હોય છે, પરંતુ બાંકીપુર ચૂંટણી વિધાનસભ્યને ચૂંટવા માટે નહોતી. આ ચૂંટણી BJP-NDA સરકાર અને એના નેતૃત્વનો નિર્ણય લેવા માટે હતી. બાંકીપુરના લોકોએ BJPના કેન્દ્રીય નેતૃત્વને ધ્યાનમાં લેવા અને બિહારના શ્રેષ્ઠ હિતમાં બિહારને એક સારી વ્યક્તિને સોંપવા માટે મત આપ્યો છે.’

સમ્રાટ ચૌધરીએ અભિનંદન આપ્યાં

બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ પ્રશાંત કિશોરને અભિનંદન આપતું ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે ‘લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં લોકોએ બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જન સુરાજ પાર્ટીને પસંદ કરી છે. હું જનતાના આ નિર્ણયનું સન્માન કરું છું અને પ્રશાંત કિશોરને તેમની જીત બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું.’

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 11:35 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK