મશહૂર વાઘણ મછલીની પૌત્રી અને ક્રિષ્નાની દીકરી છેલ્લા દિવસોમાં કૃશકાય થઈ ચૂકેલી : ૧૧ વર્ષની ઍરોહેડને ધ્રૂજતા પગે માંડ ડગલાં પાડતી જોઈને અનેક પ્રાણીપ્રેમીઓનાં દિલ દ્રવી ઊઠ્યાં
ઍરોહેડ
રણથંભોરની શાન ગણાતી અને માથા પર તીર જેવું નિશાન ધરાવતી હોવાથી જેનું નામ ઍરોહેડ પડ્યું હતું એ વાઘણે ૧૯ જૂને પદ્મ લેક પાસે છેલ્લા શ્વાસ લીધા. ૧૪ વર્ષ સુધી જંગલ પર રાજ કરનારી આ વાઘણ માત્ર તાકાતનું જ ઉદાહરણ નહોતી. એના માતૃત્વ પર અનેક સવાલો ઊઠ્યા હોવા છતાં એ સાલસ વ્યક્તિત્વ માટે જાણીતી હતી. એ મશહૂર અને સેલિબ્રિટી બની ગયેલી વાઘણ મછલીની પૌત્રી હતી અને મછલીની દીકરી ક્રિષ્નાની દીકરી હતી. જ્યાં ક્રિષ્નાનું રાજ હતું એ ક્ષેત્રો એણે પોતાના દમખમ પર હાંસલ કર્યાં હતાં. છેલ્લાં કેટલાંક વર્ષોથી એની તબિયત ખરાબ રહેતી હતી. પ્રાણી-નિષ્ણાતોનું માનવું હતું કે એને હાડકાંનું કૅન્સર છે. એને કારણે ધીમે-ધીમે એનું શરીર અને હાડકાં નબળાં પડી ગયાં હતાં.
ADVERTISEMENT
ઍરોહેડ જ્યારથી જન્મી ત્યારથી એને ફૉલો કરતા જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સચિન રાયે છેલ્લા દિવસોમાં પણ એની તસવીરો અને વિડિયો લીધાં હતાં. જોકે ૧૭ જૂને લીધેલો ઍરોહેડનો વિડિયો જોઈને ભલભલાનું દિલ દ્રવી ઊઠ્યું હતું. આ એ જ ‘લેડી ઑફ ધ લેક’ હતી જેનાથી ભલભલાં પશુઓ થરથરતાં હતાં. આ એ જ વાઘણ હતી જેણે માત્ર હાડમાંસનું પિંજર બની ગયા પછી પણ એક મગરમચ્છનો શિકાર હજી થોડા દિવસ પહેલાં જ કર્યો હતો. એની દાદી મછલી પણ તળાવના જાયન્ટ મગરોનો જે રીતે શિકાર કરતી હતી એ જ તાકાતથી ઍરોહેડ પણ આખી જિંદગી મગરમચ્છો પર ભારે સાબિત થઈ હતી. છેલ્લા દિવસોમાં ધ્રૂજતા પગ અને હાડકાં દેખાતાં હોવા છતાં એણે એક મગરનો શિકાર કર્યો હતો. જાણે કહેતી હોય કે અસલી વાઘણ કદી હાર નથી માનતી. એના મૃત્યુ બાદ વનઅધિકારીઓ અને વન્યજીવપ્રેમીઓ એના અંતિમ સંસ્કાર પહેલાં આખરી વિદાય અને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્ર થયા હતા.
અમારો નવો હાઇવે જોઈ લો: BJPનાં મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ ગુરુવારે નવા બંધાયેલા મથુરા-બરેલી હાઇવે-નૅશનલ હાઇવે 530Bનું નિરીક્ષણ કર્યું હતું
ઍરોહેડને બાળપણથી ફૉલો કરનારા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે છેલ્લા વિડિયોથી આપી શ્રદ્ધાંજલિ
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સચિન રાયે ઍરોહેડના જીવનને બહુ નજીકથી જોયું છે. એની વિદાયથી વ્યથિત થઈને તેમણે જે છેલ્લી પોસ્ટ લખી છે એ હચમચાવી દેનારી છે. તેમણે લખ્યું હતું...
૧૭ જૂનની સાંજે મેં પદ્મ તળાવના કિનારે વાઘણ ઍરોહેડની સંભવતઃ અંતિમયાત્રા જોઈ. આ એ જગ્યા હતી જ્યાં એણે ખૂબ શાલીનતાથી અને શક્તિથી શાસન કર્યું હતું. એને સંઘર્ષ કરતી જોવાનું, ઊઠવા માટે પ્રયાસ કરવો અને પડ્યા પછી ફરીથી ઊઠવા માટે કમજોર કદમ ઉઠાવવાનો પ્રયાસ કરતી જોવાનું દિલ ચીરી નાખે એવું હતું. એની પ્રત્યેક હરકતથી સ્પષ્ટ હતું કે એક-એક ડગલું માંડવું એના માટે બહુ મુશ્કેલ છે. આખરે એ એક વૃક્ષ પાસે પહોંચી અને સૂઈ ગઈ. હું દિલમાં જાણતો હતો કે એનો અંત નિકટ છે. બસ, એક કે બે દિવસની વાત છે.
ઍરોહેડ જ્યારે બચ્ચું હતી ત્યારથી મેં એને ફૉલો કરી છે. શરૂઆતના દિવસોમાં એને એક શક્તિશાળી વાઘણના રૂપમાં નિખરતી જોઈ છે. એણે પોતાની માના ક્ષેત્ર પર કબજો કર્યો હતો. એની પોતાની દીકરી રિદ્ધિએ જ એને એના ક્ષેત્રમાંથી વિસ્થાપિત કરી દીધી. મેં એને પોતાની જ દીકરીથી પોતાનાં નાનાં બચ્ચાંઓને બચાવતી અને પાળતી જોઈ છે. એ દરેક પરિમાણથી એક સાચી વાઘણનું જીવન જીવી.
ભલે માણસોએ એને માંદગીમાંથી બચાવવા માટે મદદ કરવાની ઘણી કોશિશ કરી, એનાં ત્રણ બચ્ચાંને પાળવામાં પણ મદદ કરી; પરંતુ માણસોના હસ્તક્ષેપથી ખરેખર એને ફાયદો થયો કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
૧૧ વર્ષની ઉંમરે ઍરોહેડનું નિધન થયું, પરંતુ એક વાત નિશ્ચિત છે કે એ એક વિરાસત છોડીને ગઈ છે. એ જંગલી શાલીનતા, ધૈર્યથી ભરેલી શક્તિ અને અનેક અવરોધો છતાં ટકી રહેવાના મજબૂત સંઘર્ષનું પ્રતીક હતી. રણથંભોર એને કદી નહીં ભૂલે.

