બહેન રોહિણી આચાર્યએ પાર્ટી અને પરિવાર છોડ્યાં એ પછી ભાઈ તેજ પ્રતાપે ચિંતા જતાવી : લાલુ યાદવે પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું, આ પરિવારનો આંતરિક મામલો છે, અમે સુલઝાવી લઈશું
તેજ પ્રતાપ યાદવ
રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહાર સરકારને વિનંતી કરી હતી કે મારાં માતા-પિતાને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યાં હતાં કે નહીં એની તપાસ કેન્દ્ર અને રાજ્ય સરકાર કરે. કેટલાક લોકો, જયચંદો મારાં માતા-પિતાને માનસિક, શારીરિક દબાણમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
યાદવ પરિવારમાં ઝઘડા બાદ ગઈ કાલે તેજ પ્રતાપ યાદવ તેમની બહેન રોહિણી આચાર્યના સમર્થનમાં બહાર આવ્યા હતા જેણે તાજેતરમાં તેના ભાઈ તેજસ્વી યાદવ અને તેના સહાયક સંજય યાદવ દ્વારા અપમાનના જાહેર આરોપ લગાવ્યા હતા.
ADVERTISEMENT
જનશક્તિ જનતા દલના અકાઉન્ટ પરથી શૅર કરેલી સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેજ પ્રતાપ યાદવે કહ્યું હતું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો, જયચંદો, મારાં પિતા લાલુ પ્રસાદજી અને મારી માતાને માનસિક અને શારીરિક દબાણમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આમાં સહેજ પણ સત્ય હોય તો આ ફક્ત મારા પરિવાર પર હુમલો નથી, એ RJDના આત્મા પર સીધો પ્રહાર છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને બિહાર સરકારને વિનંતી કરું છું કે આ મામલે નિષ્પક્ષ, કડક અને તાત્કાલિક તપાસ કરવામાં આવે.
પારિવારિક ઝઘડો છે, તમે પાર્ટીને મજબૂત કરવા પર ધ્યાન આપો
છેલ્લા બે-ત્રણ દિવસથી પરિવારમાં ચાલી રહેલા ઝઘડા સામે લાલુ યાદવ એકદમ મજબૂર સ્થિતિમાં આવી ગયા હોય એવું જણાય છે. જોકે એમ છતાં તેઓ પાર્ટીને એકજૂટ રાખવાની કોશિશમાં છે. તેમણે ગઈ કાલે વિધાનસભ્યોને વિનંતી કરી હતી કે તમે તેજસ્વીને સહયોગ આપો. અત્યારે જે ચાલી રહ્યું છે એ પરિવારનો મામલો છે. એની અસર પાર્ટીની કામગીરી પર થવા ન દો. અત્યારે પાર્ટીને મજબૂત કરવાની જરૂર છે. પારિવારિક ઝઘડાનો ઉકેલ હું મારી રીતે લઈ આવીશ.’


