વૈશ્વિક પરિસ્થિતિના આંચકાઓ સ્થાનિક અર્થતંત્રમાં પ્રવેશવા લાગ્યા હોવાથી માર્ચ ૨૦૨૬માં ભારતની આર્થિક ગતિમાં સ્લોડાઉનના પ્રારંભિક સંકેતો જોવા મળ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટ એશિયાની કટોકટીને કારણે લૉજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ખોરવાવાને કારણે મોંઘવારી વધવાની સંભાવના, ફેબ્રુઆરી સુધી સ્થિતિ મજબૂત હતી, માર્ચ મહિનાથી બગડવા લાગી હોવાનું નાણા મંત્રાલય કહે છે ભારતનું અર્થતંત્ર ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી મજબૂત રહ્યું હતું, પરંતુ વેસ્ટ એશિયામાં કટોકટી અને ક્રૂડ ઑઇલના વધતા ભાવ વચ્ચે નાણાં મંત્રાલયે માર્ચ મહિનામાં પ્રારંભિક મંદીના સંકેતો દર્શાવ્યા છે. નાણાં મંત્રાલયની માર્ચ માટેની માસિક આર્થિક સમીક્ષા અનુસાર વૈશ્વિક પરિસ્થિતિના આંચકાઓ સ્થાનિક અર્થતંત્રમાં પ્રવેશવા લાગ્યા હોવાથી માર્ચ ૨૦૨૬માં ભારતની આર્થિક ગતિમાં સ્લોડાઉનના પ્રારંભિક સંકેતો જોવા મળ્યા હતા.
સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના આંચકાઓ ઊંચા ઇનપુટ ખર્ચ, પુરવઠાની મર્યાદાઓ અને વિવિધ ક્ષેત્રોમાં દબાણને કારણે છે જેમાં આર્થિક પ્રવૃત્તિમાં થોડી મંદીનો સંકેત છે. આર્થિક પ્રવૃત્તિ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી મજબૂત રહી હતી, જેમાં પુરવઠા અને માગણી બન્ને સૂચકાંકોમાં મજબૂત પ્રદર્શન હતું. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ ક્ષેત્રે પ્રવૃત્તિઓ વધી હતી. વાહનના વેચાણ અને ડિજિટલ પેમેન્ટ્સ જેવા વપરાશ સૂચકાંકોએ સતત વૃદ્ધિ નોંધાવી હતી. સરકારની વિવિધ ડેવલપમેન્ટ પ્રવૃત્તિને કારણે સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.
રિપોર્ટમાં કહેવાયું છે કે ૨૦૨૬ના ફેબ્રુઆરી મહિના સુધી ભારતીય ઇકોનૉમી ઘણી મજબૂત સ્થિતિમાં હતી. મૅન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં પ્રોગ્રેસ થઈ રહ્યો હતો, પરંતુ માર્ચ ૨૦૨૬થી આ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો છે, જે વેસ્ટ એશિયામાં વધતા ભૂરાજકીય તનાવના કારણે છે. ઊર્જાબજારો અને લૉજિસ્ટિક્સ પ્રવાહ ખોરવાયો છે. ઈ-વે બિલ ઉત્પાદનમાં મહિના-દર-મહિના ઘટાડો અને ફ્લૅશ પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) અંદાજોમાં નરમ આઉટપુટ વૃદ્ધિનો ઉલ્લેખ કરે છે. જોકે વર્ષ-દર-વર્ષ સૂચકાંકો સકારાત્મક રહ્યા છે.
