ચંડીગઢના પ્રશાસને કટોકટીના સમયે મદદ કરવા યુવાનોને સિવિક ડિફેન્સ વૉલન્ટિયર બનવાની અપીલ કરી હતી
હજારો લોકો ભરતી કેન્દ્રમાં પહોંચી ગયા તે દૃશ્ય
પંજાબ અને હરિયાણાના પાટનગર એવા ચંડીગઢના પ્રશાસને કટોકટીના સમયે મદદ કરવા યુવાનોને સિવિક ડિફેન્સ વૉલન્ટિયર બનવાની અપીલ કરી હતી, જેના પગલે ગઈ કાલે હજારો યુવાનો ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા ટાગોર થિયેટર પર પહોંચી ગયા હતા. માત્ર છોકરા જ નહીં, છોકરીઓ પણ ઘણી મોટી માત્રામાં આવી હતી. આ યુવાનો પાકિસ્તાનની બરબાદીની કસમ ખાઈને રસ્તા પર ઊતર્યા હતા અને ‘અમે આર્મીને સાથ આપવા તૈયાર’, ‘અમને પણ બનાવો સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર’ના નારા લગાવ્યા હતા.
ચંડીગઢના ડેપ્યુટી કમિશનર નિશાંત યાદવે અપીલ કરી હતી કે ‘યુદ્ધ થાય તો અમને સાથ આપો, સિવિક ડિફેન્સ વૉલન્ટિયર બનો. આ માટે એક અઠવાડિયાની ટ્રેઇનિંગ આપવામાં આવશે અને પોલીસ સાથે કામ કરવાની રીત, રાહત અને બચાવકાર્ય કેમ કરવું અને લોકોને કેવી રીતે જાગૃત કરવા એ શીખવવામાં આવશે. ટ્રેઇનિંગ બાદ પસંદ કરવામાં આવેલા વૉલન્ટિયરોને અલગ-અલગ સેક્ટર, માર્કેટ અને ગામોમાં તહેનાત કરવામાં આવશે. વૉલન્ટિયરની સંખ્યા નક્કી નથી, પણ ૧૮ વર્ષથી વધારે ઉંમરનો કોઈ પણ યુવાન એમાં ભાગ લઈ શકે છે.’
ADVERTISEMENT
ગઈ કાલે હજારો યુવાનોએ ફૉર્મ ભર્યાં હતાં. યુવાનોએ કહ્યું હતું કે ‘અમે ભારત દેશ માટે જાન આપવા તૈયાર છીએ, અમે આ કામ કરવા તૈયાર છીએ. અમને બસ બંદૂક આપો, અમે સરહદ પર જઈને દુશ્મન સામે પણ લડવા તૈયાર છીએ.’

