ડમ્પરમાં ભરેલી કાંકરીઓ મુસાફરો પર પડતાં શ્વાસ રૂંધાઈ ગયો, વડા પ્રધાને બે-બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી
					
					
ડમ્પર પલટી ખાઈ જતાં કાંકરી બસ પર જઈને પડી હતી
તેલંગણમાં હૈદરાબાદ-બીજાપુર હાઇવે પર રંગા રેડ્ડી જિલ્લાના ચેવેલ્લા મંડલના ખાનપુર ગેટ પાસે રૉન્ગ સાઇડથી આવી રહેલા કાંકરીઓ ભરેલા એક ડમ્પરે ગઈ કાલે સવારે તેલંગણ રોડવેઝની બસને ટક્કર મારી હતી જેમાં ૧૯ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ટુકડા થઈ ગયા હતા અને બસનો અડધો ભાગ પલટી ગયો હતો. આ સિવાય ટક્કર બાદ ડમ્પરની અંદર રહેલી કાંકરીઓ બસમાં પડી હતી અને એની નીચે બસના પ્રવાસીઓ દટાઈ ગયા હતા. આથી શ્વાસ રૂંધાઈ જવાથી ઘણા મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.

ADVERTISEMENT
બસની એક તરફના લોકો કાંકરી તળે દબાઈ ગયા હતા અને બીજી તરફના કેટલાક લોકો બારીમાંથી નીકળી શક્યા હતા
બસમાં લગભગ ૭૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા. લગભગ ૨૦ મુસાફરો ઘાયલ થયા હતા. કાંકરીમાં દટાઈ ગયેલાં શબોને કાઢવા માટે બચાવદળે બસને કાપવી પડી હતી. આ બસ તંદૂરથી હૈદરાબાદ જઈ રહી હતી. સોમવાર હોવાથી બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા. જીવ ગુમાવનારાઓમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ બન્નેનો સમાવેશ થાય છે, જેઓ કામ પર જઈ રહ્યા હતા.

ઘાયલો અને શબોને કાઢવા બસ કાપવી પડી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારજનો માટે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે-બે લાખ રૂપિયાની અને ઘાયલો માટે પચાસ-પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
		        	
		         
        

