કૅમેરા માત્ર મનોરંજન માટે નથી બનાવવામાં આવ્યો. આ કૅમેરા બ્રહ્માંડમાં ભટકતા લાખો ક્ષુદ્ર ગ્રહો, ધૂમકેતુ અને પૃથ્વી માટે જોખમી ઉલ્કાપિંડો પર નજર રાખવાનું કામ કરશે.
વિશ્વના સૌથી મોટા કૅમેરાએ લીધો બ્રહ્માંડનો પહેલો ફોટો
આપણે આકાશના ગ્રહોને ટેલિસ્કોપથી જ જોતા આવ્યા છીએ, પરંતુ હવે વિશ્વનો સૌથી મોટો કૅમેરા ચિલીના સેરો પાચોન માઉન્ટન પર મુકાયો છે. વેરા સી. રુબિન નામની ઑબ્ઝર્વેટરીમાં સમુદ્રની સપાટીથી ૨૬૮૨ મીટર ઊંચે મુકાયેલા વિશ્વના સૌથી વિશાળ કૅમેરામાં બ્રહ્માંડના તસવીરો લેવાઈ છે. ૪૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે અને ૨૦ વર્ષની મહેનતથી બનેલો આ કૅમેરા અમેરિકાના નૅશનલ સાયન્સ ફાઉન્ડેશન અને યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જીના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ કૅમેરાએ લીધેલી બ્રહ્માંડની તસવીરો ૨૩ જૂને શૅર કરવામાં આવી હતી. એમાં રંગબેરંગી નિહારિકાઓ, તારાઓ અને તારામંડળનો સમાવેશ થાય છે. આ કૅમેરા સાત અલગ-અલગ રંગોમાં તસવીર ખેંચે છે. આ કૅમેરા એટલો શક્તિશાળી છે કે ચંદ્રમા પર મૂકેલા ગૉલ્ફ સાઇઝના બૉલને પણ એ કૅપ્ચર કરી શકે છે. એના રેઝોલ્યુશનની એટલે કે કૅમેરાની ક્વૉલિટીની વાત કરીએ તો એ ૩૨૦૦ મેગા પિક્સેલ છે જે આપણા સ્માર્ટફોન કરતાં હજારો ગણી ક્લૅરિટી ધરાવે છે. આ કૅમેરા માત્ર મનોરંજન માટે નથી બનાવવામાં આવ્યો. આ કૅમેરા બ્રહ્માંડમાં ભટકતા લાખો ક્ષુદ્ર ગ્રહો, ધૂમકેતુ અને પૃથ્વી માટે જોખમી ઉલ્કાપિંડો પર નજર રાખવાનું કામ કરશે.

