સાથે તેના પાંચ સાથીદારો પણ પકડાયા : પૂછપરછમાં થયા ઘણા ખુલાસા, જ્યોતિ ત્રણ વાર પાકિસ્તાન ગઈ હતી: ભારતે દાનિશને દેશ છોડવા કહ્યું હતું દાનિશને જાસૂસીના આરોપસર ભારતે તાજેતરમાં જ દેશ છોડવાનું કહ્યું હતું
પાકિસ્તાનના હાઈ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે જ્યોતિ.
હરિયાણાના હિસારની પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરતા ૬ જણની ધરપકડ કરી છે જેમાં જાણીતી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને તેના પાંચ સાથીદારોનો સમાવેશ છે. હિસારના ન્યુ અગ્રસેન એક્સટેન્શનમાંથી જ્યોતિની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં જ્યોતિએ જણાવ્યું હતું કે ‘હું ૨૦૨૩માં વીઝા મેળવવા માટે પાકિસ્તાન હાઈ કમિશન ગઈ હતી. ત્યાં મારી મુલાકાત પાકિસ્તાનના હાઈ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી. દાનિશનો મોબાઇલ-નંબર લીધા બાદ અમે વાતચીત શરૂ કરી હતી. દાનિશ સાથે મારો ગાઢ સંબંધ હતો. ત્યાર બાદ મેં બે વાર પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.’
ADVERTISEMENT
જ્યોતિએ કરેલી જાસૂસીના મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે જ્યોતિ પાકિસ્તાની ગુપ્તચર એજન્ટ્સ સાથે સંપર્ક જાળવી રાખતી હતી અને સંવેદનશીલ માહિતી શૅર કરતી હતી.
કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
જ્યોતિ મલ્હોત્રા હરિયાણાની વતની છે અને યુટ્યુબ પર ‘ટ્રાવેલ વિથ જો’ નામની પોતાની યુટ્યુબ ચૅનલ ચલાવે છે. તે છેલ્લાં બે વર્ષમાં ત્રણ વાર પાકિસ્તાનની મુલાકાતે ગઈ હતી. તેણે પર્યટન હેતુ ચીન, બંગલાદેશ, થાઇલૅન્ડ, નેપાલ, ભુતાન અને યુનાઇટેડ આરબ અમિરેટ્સની મુલાકાત લીધી છે. તેને યુટ્યુબ પર ભારતવિરોધી નરેટિવ અને પાકિસ્તાનની સારી ઇમેજ રજૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
પાકિસ્તાનમાં કોને મળી?
દાનિશની સલાહ બાદ જ્યોતિ પાકિસ્તાનમાં તેના પરિચિત અલી અહવાનને મળી હતી. અલી અહવાને તેની મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. અલી અહવાને પાકિસ્તાની ગુપ્તચર અને સુરક્ષા-અધિકારીઓ સાથે જ્યોતિની મુલાકાત ગોઠવી આપી હતી.
રાષ્ટ્રવિરોધી માહિતી કેવી રીતે પહોંચાડતી?
જ્યોતિ પાકિસ્તાનમાં રાણા શાહબાઝ અને શાકીરને પણ મળી હતી. તેણે શાકીરનો મોબાઇલ નંબર પોતાના મોબાઇલમાં જાટ રંધાવાના નામે સેવ કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય. ભારત આવ્યા પછી તેણે વૉટ્સઍપ, સ્નૅપચૅટ અને ટેલિગ્રામ દ્વારા આ લોકો સાથે સંપર્કમાં રહેવાનું શરૂ કર્યું હતું અને રાષ્ટ્રવિરોધી માહિતી તેમના સુધી પહોંચવા માંડી હતી. પૂછપરછમાં જ્યોતિએ જણાવ્યું હતું કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં પણ હતી.
બીજું કોણ પકડાયું અને તેમનું કામ શું હતું?
જ્યોતિ સાથે જેની ધરપકડ કરવામાં આવી છે એમાં ૩૨ વર્ષની અને પંજાબના મલેરકોટલાની વતની ગજાલા, યામીન મોહમ્મદ, હરિયાણાના કૈથલના દેવેન્દ્ર સિંહ ઢિલ્લોં અને હરિયાણાના નૂંહના અરમાનની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની ધરપકડથી એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ તમામ આરોપીઓ પાકિસ્તાનના એજન્ટના સંપર્કમાં હતા અથવા તેમની સાથે નાણાકીય લેવડદેવડમાં સામેલ હતા. ગજાલાનો પતિ મૃત્યુ પામ્યો છે અને તેની પાસે પણ પાકિસ્તાનના વીઝા છે. તે બીજા એજન્ટોને વીઝા-પ્રોસેસમાં મદદ કરતી હતી અને દાનિશ જે નાણાં મોકલે એ અન્ય એજન્ટને તેના ફોનપે અકાઉન્ટથી મોકલતી હતી. યામીન મોહમ્મદ હવાલાથી નાણાં પૂરાં પાડતો હતો. દેવિન્દર સિંહે પટિયાલા છાવણીના વિડિયો પાકિસ્તાનના એજન્ટને મોકલ્યા હતા. અરમાને મોબાઇલ માટે સિમ કાર્ડ પૂરાં પાડ્યાં હતાં.
દેવેન્દ્ર સિંહ ઢિલ્લોં પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કરે છે
જાસૂસીના આરોપમાં પકડાયેલો હરિયાણાનો ૨૫ વર્ષનો સ્ટુડન્ટ દેવેન્દ્ર સિંહ ઢિલ્લોં પટિયાલાની ખાલસા કૉલેજમાં પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કરી રહ્યો છે અને પહેલા વર્ષમાં ભણે છે. ૧૨ મેએ તેણે કૈથલથી તેના ફેસબુક-અકાઉન્ટ પર પિસ્તોલ અને બંદૂકોના ફોટો અપલોડ કર્યા એ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે ગયા વર્ષે નવેમ્બરમાં કરતારપુર કૉરિડોરથી પાકિસ્તાન ગયો હતો અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સના અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શૅર કરી રહ્યો હતો. તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. તેના અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચેના નાણાંના ટ્રેલની તપાસ કરવા માટે તેનાં બૅન્ક-ખાતાંની તપાસ કરવામાં આવી રહી છે.
ઢિલ્લોંની ધરપકડ પહેલાં ૨૪ વર્ષના નૌમાન ઇલાહીની પાણીપતમાં ધરપકડ કરવામાં આવી હતી. મૂળ ઉત્તર પ્રદેશનો વતની ઇલાહી હરિયાણામાં સુરક્ષાગાર્ડ હતો. તે પાકિસ્તાનને માહિતી આપવા બદલ તેના સાળા અને કંપનીના ડ્રાઇવરના ખાતામાં એજન્ટ પાસેથી પૈસા મેળવતો હતો.

