આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માની જાહેરાત
આસામના પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગ
આસામના પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુના કેસમાં એક ચોંકાવનારું નિવેદન આપતાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ ગઈ કાલે જણાવ્યું હતું કે ઝુબીન ગર્ગની હત્યા સિંગાપોરમાં થઈ હતી, પોલીસ ૮ ડિસેમ્બરે ચાર્જશીટ દાખલ કરશે.
ઝુબીન ગર્ગનું ૧૯ સપ્ટેમ્બરે સિંગાપોરમાં અવસાન થયું હતું. શરૂઆતમાં એને આકસ્મિક મૃત્યુ માનવામાં આવતું હતું.
ADVERTISEMENT
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ ઝુબીન ગર્ગનું મૃત્યુ માત્ર એક અકસ્માત હોવાના દાવાઓને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે ‘ઝુબીનનું મૃત્યુ સંયોગ નહીં પણ હત્યા હતી. હું ઝુબીન ગર્ગના મૃત્યુને અકસ્માત નહીં કહું. અમારે ૧૭ ડિસેમ્બર પહેલાં ઝુબીન ગર્ગ હત્યાકેસમાં ચાર્જશીટ દાખલ કરવી પડશે. મેં ૮ ડિસેમ્બર સુધીમાં એને દાખલ કરવા કહ્યું છે. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.’
હિમંતા બિસ્વાએ એમ પણ કહ્યું હતું કે ‘જો વિદેશમાં કંઈ થાય છે તો ચાર્જશીટ દાખલ કરતાં પહેલાં ગૃહમંત્રાલયની મંજૂરી જરૂરી છે. મેં આ વિશે ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત કરી હતી. અમને ટૂંક સમયમાં મંજૂરી મળશે. પરવાનગી મળતાં જ અમે ૮, ૯ કે ૧૦ તારીખે ચાર્જશીટ દાખલ કરીશું.’
પાંચ લોકોની ધરપકડ
બાવન વર્ષના ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુ અંગે સિંગાપોર અને આસામ બન્નેમાં તપાસ ચાલી રહી છે. પોલીસે આ કેસમાં એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ પણ બનાવી છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


